ગાંધર્વ લગ્ન કર્યા બાદ કાયદેસર લગ્ન કરવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ મેરેજ બ્યુરોની ઓફિસમાં આગ લગાવી

રાજકોટના કેનાલ રોડ પર ક્રિષ્ના ચેમ્બરના બીજા માળે આવેલા જીવન જયોતિ ચેરીટેબલ ટ્રસ્ટ નામના મેરેજ બ્યુરોની ઓફિસમાં આગ લાગવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આગ મેરેજ બ્યુરોની સંચાલિકાના પતિ એ લગાડયાનું બહાર આવ્યું છે. જેના આધારે તેના વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

વિગતો મુજબ પ્રિતીબેન જીતેન્દ્રભાઈ પુજારા (ઉ.વ.38 રહે. પંચનાથ પ્લોટ)નામની મહિલાએ તેના પતિ યોગેશ હેમંતભાઈ ગણાત્રા સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદમાં પ્રિતીબેને જણાવ્યું છે કે હાલ તે ભાઈ અનિલ સાથે રહે છે. માતા-પિતા હયાત નથી. આઠ વર્ષ પહેલા પ્રેમી યોગેશ સાથે મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. જોકે કાયદેસર લગ્ન કર્યા ન હતા. ત્યારથી યોગેશ તેના ભાઈની ઘરે ઘરજમાઈ તરીકે રહેતો હતો. બે વર્ષ પછી તેને અન્ય યુવતી સાથે પ્રેમ થતાં તેનાથી અલગ રહેવા લાગી હતી. એટલું જ નહીં તેના ભાઈના ઘરેથી પણ કાઢી મૂકયો હતો.થોડા સમય બાદ ઘરમેળે સમાધાન થઈ જતાં ફરીથી તેના ભાઈના ઘરે રહેવા આવી ગયો હતો.

સંતાનમાં તેને એક પુત્રીની પ્રાપ્તી થઈ હતી. પુત્રીના જન્મ બાદ યોગેશે ફરીથી તેની સાથે ઝઘડા કરતા તેને કાઢી મુકયો હતો. છેલ્લા બે વર્ષથી તે ભાઈ સાથે રહે છે. સાથોસાથ કેનાલ રોડના ક્રિષ્ના ચેમ્બરમાં રાજુભાઈ પુજારાની માલીકીની ઓફિસમાં મેરેજ બ્યુરો ચલાવે છે. જયાં સવારે આગ લાગ્યાની ફાયર બ્રિગેડ દ્વારા તેને જાણ કરાઈ હતી. ઓફિસમાં બેનર પર લાગેલા નંબરના આધારે ફાયરબ્રિગેડે જાણ કરતાં તત્કાલ ભાઈ અનિલ સાથે ઓફિસે આવી હતી.

આગ બુજ્યા બાદ તેણે કોમ્પ્લેક્ષમાં એક હાર્ડવેરની દુકાનમાં સીસીટીવી કેમેરા જોતા પતિ યોગેશ સવારે 7-45 વાગે કોમ્પ્લેક્ષની સીડી ઉપરથી ઉપર જતા જોવા મળ્યો હતો. જેથી તેણે જ આગ લગાડયાનું સ્પષ્ટ થતા ફરિયાદ નોંધાવી હતી.ગઈકાલે યોગેશ તેની ઓફિસે અવ્યો હતો. તે વખતે તેને સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેલ્લા એક મહિનાથી યોગેશ તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. એમ પણ કહેતો હતો કે તું મારી સાથે કાયદેસર લગ્ન કરી લે, પરંતુ તેને અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે કાયદેસરના લગ્ન કરતી ન હતી. ગઈકાલે યોગેશે ઓફિસે આવી તેની પુત્રીને રમાડી હતી. તે વખતે કાયદેસરના લગ્નની વાત કરતા તેણે સાફ ઈન્કાર કર્યો હતો. જેથી તેણે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.