પરિણિતાને આપઘાતની ફરજ પાડનાર પતિ,સાસુ અને નણંદ સામે નોંધાતો ગુનો
અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે પોલીસમાં ફરજ બજાવતા અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા મહિલા પોલીસ કર્મીએ પોતાના પતિ સાથે અણબનાવને કારણે બ્લોકમા ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે મૃતક મહિલા કર્મી.ની માતાની ફરિયાદ પરથી પતિ,સાસુ અને નણંદ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ખંભાળીયા પોલીસમાં છેલ્લા ત્રણેક વર્ષથી મહિલા પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા અને મૂળ ખેડા જિલ્લાના રહીશ મીરાબેન દશરથભાઈ ચાવડા (ઉ.વ.29)એ પાંચેક વર્ષ પહેલાં દ્વારકાના મીઠાપુરની મહાવીર સોસાયટીમાં રહેતા મીતેષ જીતેન્દ્ર ભાયાણી સાથે પ્રેમ લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને ત્રણેક વર્ષનો એક બાળક પણ હોવાનું જાણવા મળે છે. મહિલા પોલીસ કર્મી.ને છેલ્લા છએક માસથી તેમના પતિ મીતેષ સાથે અવારનવાર મનદુ:ખ અને ઝઘડા થતા હતા.ચારેક દિવસ પહેલા કોઈ બાબતમા તેઓની વચ્ચે ફોનમાં ઝઘડો થયો હતો. આ બાબતનું મીરાબેનને લાગી આવતા તેઓને રામનગર વિસ્તારમાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બ્લોકમાં હતી.
ત્યારે ગઈકાલે રાત્રીના ગળાફંસો ખાઈને આપઘાત કરી લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હેડ ક્વાર્ટર ખાતે દોડી ગયા હતા. અને મીરાબેનનો મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ બનાવમા મૃતક મહિલા કર્મી.ના માતા કોકીલાબેનની ફરિયાદ પરથી પતિ મિતેશ જીતેન્દ્ર ભાયાણી ,સાસુ દક્ષા જીતેન્દ્રભાઈ ભાયાણી અને નણંદ ધારા જીતેન્દ્ર ભાયાણી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.