રાજકોટના કુવાડવા રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માત
ગુંદા ગામે માતાજીના દર્શન કરી પરત ફરતા નડ્યો અકસ્માત : બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે કુવાડવા પોલીસ ચોકી પાસે બેકાબૂ ક્ધટેનરે બાઇકને ઠોકરે લેતા કોઠારિયા રોડ પર રહેતા વેપારી અને તેના પત્નીનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોઠારિયા રોડ પર કપડાનો શો-રૂમ ચલાવતા વેપારી તેના પત્ની સાથે ગુંદા ગામે માતાજીના દર્શન કરી ઘેર આવતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પોલીસે ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં જીવલેણ અકસ્માતના બનાવો અટકાવવા પોલીસ અથાગ પ્રયત્નો કરે છે પરંતુ તેમ છતાં આવા બનાવો અટકવાનું નામ જ લેતા નથી. તાજેતરમાં સાયલા પંથકના યુવકનું દોઢસો ફૂટ રીંગ રોડ પર અકસ્માતમાં મોત થયાની ઘટના બાદ શહેરની ભાગોળે સમી સાંજે ગુંદા ગામથી પરત આવતા વેપારી દંપતિના બાઈકને ટ્રકચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજા થતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કાપડના વેપારી પ્રૌઢ અને તેમના પત્નીના મૃત્યુથી બે બાળકોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું છે. કુવાડવા રોડ પોલીસે દોડી જઈ ટ્રકચાલકને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
શહેરની ભાગોળે મેંગો માર્કેટ પાસે ગત સમી સાંજે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્ય હતા. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ એમ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકો શહેરના કોઠારિયા રોડ ઉપર બોલબાલા માર્ગ શ્રધ્ધા પાર્કમાં રહેતા અને શ્યામ હોલ પાસે કૈલાસ સિલેકશન નામે કપડાની દુકાન ધરાવતા લાલજીભાઈ ભગવાનજીભાઈ રૈયાણી ઉ.વ.51 તેના પત્ની ભાવનાબેન ઉ.વ.50 બાઈક લઈને ગુંદા ગામે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી સાંજે પરત બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે જીજે-18-એઝેડ-1195 નંબરના ટ્રકના ચાલકે પાછળથી ઠોકર મારતા બંને ફંગોળાઈ ગયા હતા અને બાઈક ટ્રક નીચે ફસાઈ ગયું હતું. જયારે આ અકસ્માતમાં ઘવાયેલા દંપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે દંપતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડયા હતા અને અકસ્માત સર્જનાર ટ્રકચાલકને સકંજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક લાલજીભાઈ બે ભાઈ બે બહેનમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે. એક પુત્ર અને એક પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા ભાઈ-બહેન સહિતનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
ટ્રકચાલકે પાછળથી બાઈકને હડફેટે લેતા આધેડ પતિ-પત્ની મોતને ભેંટ્યા
પ્રાપ્ત વિગત મુજબ લાલજીભાઈ ભગવાનજીભાઈ રૈયાણી અને તેમના પત્ની ભાવનાબેન પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ હાઈ-વે પર મેંગો માર્કેટ પાસે પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકે તેની આગળ જતા બાઇકને અડફેટે લેતા તેના પર સવાર લાલજીભાઈ રૈયાણી અને તેમના પત્ની ભાવનાબેન લાલજીભાઈ રૈયાણી પટકાઈને રોડ ઉપર પડ્યા હતા અને ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે જ બંનેનું મોત નિપજ્યું હતું.
ક્ધટેનર ચાલક પૃથ્વીરાજ ઝાલાની અટકાયત
ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ એમ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે ક્ધટેનર ચાલક પૃથ્વીરાજ સામંતસિંહ ઝાલા (ઉ.વ.45) રહે ગુંઝાલા ગામ, દેત્રોજ, અમદાવાદવાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.