પી.આઈ. અજય દેસાઈની હત્યા અને કિરીટસિંહ વિરુદ્ધ પુરાવા નાશ કરવાનો કરવાનો ગુન્હો નોંધાયો
વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના પ્રકરણમાં તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સ્વીટી પટેલની ગળું દબાવી હત્યા કરી હોવાની સ્ફોટક કબૂલાત કરી લીધી હતી. એ બાદ પોલીસે પીઆઇ અજય દેસાઇ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે કરજણ પોલીસ સ્ટેશનમાં હત્યા અને પુરાવાનો નાશ કરવા બાબતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે, હત્યા કર્યા બાદ પીઆઇ દેસાઇ લાશને પોતાની કંપાસ કારની ડિકીમાં મૂકીને કિરીટસિંહ જાડેજાને તેની વૈભવ હોટલમાં મળ્યો હતો. એ સમયે પીઆઇએ કહ્યું હતું કે, મારી પરિણીત બહેન કોઇ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી અને તે સગર્ભા હોવાથી તેને મેં મારી નાખી છે અને લાશનો નિકાલ કરવા મદદ માગતાં કિરીટસિંહે પોતાની અટાલી પાસેની અવાવરૂ હોટલની જગ્યાએ જવાનું કહેતાં પીઆઇ લાશ લઇને આ મકાન પાછળ ગયો હતો અને કારના ફ્યુઅલનો તથા લાકડાનો ઉપયોગ કરી લાશને સળગાવી દીધી હતી. સોમવારે પીઆઇ અજય અમૃતભાઇ દેસાઇ અને કિરીટસિંહ દોલુભા જાડેજાને કરજણ અદાલતમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ કરે એવી શક્યતા છે.
પત્ની સ્વીટી પટેલની લાશને સળગાવી દીધા બાદ અજય દેસાઇએ કિરીટસિંહને ફોન કરી કહ્યું, કામ પતી ગયું છે, હું નીકળું છું. બીજા દિવસે કિરીટસિંહ દહેજના અટાલી ખાતે પહોંચ્યા, જ્યાં લાશનાં કેટલાંક અંગો હજી સળગી રહ્યાં હોવાનું જોયું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપાયાના ૩ દિવસમાં જ પોલીસે પીઆઇ દેસાઇ અને કિરીટસિંહની આગવી ઢબે પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
પીઆઇના સાળાએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ ક્રાઇમ બ્રાન્ચમાં ગયા ત્યારે બનેવી દેસાઈએ તેમને કહ્યું હતું કે મારા મિત્ર કિરીટસિંહે પોલીસને બધી જાણ કરી દીધી છે, એટલે હું આપને સાચું કહેવા માગું છું. બનાવની રાત્રે મારી અને સ્વીટી વચ્ચે બીજા સામાજિક લગ્નને લઈને ઝઘડો થયો હતો અને એ વખતે હું ખૂબ ગુસ્સામાં હોવાથી આવેશમાં આવી સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પીઆઇ દેસાઇની જે કાર છે એ કિરીટસિંહ જાડેજાના પંટરના નામે છે. આ કાર માટે 8 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ પણ કિરીટસિંહે જ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કાર નંબર પ્લેટ વગર જ પીઆઈ ફેરવતા હતા.
પીઆઈના સાળાએ સ્વીટી પટેલના ગુમ થયાના 5 દિવસ પછી પીઆઇ અજય દેસાઈનો સંપર્ક કરી કોઈ સગડ ન મળ્યા હોય તો પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. પીઆઇએ સ્વીટી પણસોરાથી ગુમ થઇ છે એવી ફરિયાદ લખાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે સાળાએ ઈનકાર કરતાં તેમણે કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વીટીબેન ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી.