૫૫ થી ૬૫ કિમીની ગતિથી વાવાઝોડુ આગળ વધતા એલર્ટ જાહેર: દિલ્હી, ચંદીગઢ સહિતના રાજયોમાં ભારે વરસાદની આગાહી
ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકિનારે અડધીરાત્રે સાઈકલોન ત્રાટકતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે રાત્રે વાવાઝોડુ ૨૩ કિમીની ગતિથી આગળ વધી રહ્યું હતું અને ત્યારબાદ ૧૨ કલાકમાં સાઈકલોન સ્ટોર્મમાં પરિવર્તિત થયું હતું. વાવાઝોડાને કારણે રાજયભરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. સૌથી મોટી ભીતી બંગાળના અખાતની સ્થિતિ બગડવાની હતી ત્યારે આ વિનાશક વાવાઝોડાએ તેની તીવ્રતા વધારતા ભારે નુકસાન થવાની શકયતાઓ છે. જોકે હાલ ઓડિશાના ગોપાલપુરમાં આ વાવાઝોડુ કેન્દ્રિત થયું છે ત્યારે ઉતર-પશ્ર્ચિમ દિશામાં વિનાશ વેરાવવાની દહેશત છે.
આ વાવાઝોડુ ૬૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની ગતિ સાથે ત્રાટકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિઝિઆનાગરામ તેમજ ઓડિશાના પુરી, ખુર્દા સહિતના જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે બુધવારથી જ ઓડિશામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજયમાં કેરળ જેવી સ્થિતિ થવાની દહેશત છે. આવતીકાલે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, આસામ, મેઘાલય સહિતના રાજયોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.