અરબ સાગરમાંથી આવેલા વાવાઝોડા તાઉતેનો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર જોવા મળી રહ્યો છે. વાવાઝોડુ ગુજરાતના પોરબંદરના દરિયા કિનારે ટકરાઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ 23 વર્ષ પહેલાની આ ઘટના ભૂલ્યા તો નહીં જ હોય ત્યાં તાઉતે વાવાઝોડાથી થનાર સંભવિત વિનાશની કલ્પનાએ જ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં. 1998માં આવેલા પ્રચંડ વાવાઝોડાએ હજારો લોકોનો ભોગ લીધો હતો. વાવાઝોડાની ઝપેટમાં પત્તાની જેમ ઉડીને દરિયામાં જીવતેજીવ સમાધી થઇ ગઇ હતી તેવા હજારો માનવીઓનાં મૃત્યુનો આજદીન સુધી કોઇ હિસાબ મળ્યો નથી.
આ પહેલા 9 જૂન 1998માં કચ્છ જિલ્લાના કંડલામાં આટલુ ભયાનક તોફાન આવ્યુ હતું. જેમાં 1173 લોકોના મોત થયા હતા અને 1774 લોકો ગાયબ થઇ ગયા હતા. ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાના 655 ગામમાંથી આશરે 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. પશ્ચિમી કિનારાના હજારો મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે.
1998ના જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં કંડલા ઉપર ત્રાટકેલા આ પ્રચંડ વાવાઝોડાના પગલે માર્ગો તથા શેરીઓમાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. ચારેબાજુએ મૃતદેહો રઝડતા જોવા મળ્યા હતા. જ્યારે વીજળીના થાંભલા ઉપર અબોલા જીવોની લાશો લટકતી હતી. કંડલા પોર્ટ પર ગોઠવેલી હજારો ટનની ક્રેનો ઝાડની ડાળીઓની જેમ વળી ગઇ હતી. જ્યારે જંગી જહાજો પણ તોફાની પવનોમાં ફંગોળાતા કિનારા સુધી ઢસડાયા હતા. તો બજી બાજુ વાવાઝોડાની અસર જામનગર સુધી પણ પહોંચી હતી. જામનગર શહેરમાં ભયાનક માનવસંહાર થયો હતો.