અબતક, રાજકોટ
તાઉ-તે વાવાઝોડાએ 120ની ઝડપે પવન ફૂંકીને ઉના પંથકમાં તબાહી સર્જી હતી. ગામડાઓમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સૌથી વધારે નુકસાન કેન્દ્રશાસિત પ્રદેશ દિવ અને ઉના પંથકમાં થયું છે. અહીં વાવાઝોડા પછીની તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ તબાહીએ લોકોને પાંચ વર્ષ પાછળ ધકેલી દીધા છે.
વિસાવદરથી 9 કિલોમીટર દૂર આવેલા લેરીયા ગામે 120ની ઝડપે પવન ફૂંકાતા ભારે વરસાદ કારણે ગામમાં 50 જેટલા મકાનોના નળિયા, પતરા ઉડી ગયા હતા અને વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક તલ, અડદ, મગને મોટું નુકસાન થયું છે. 24 કલાક સુધી ગામમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. ગામથી વિસાવદર, મંડાવડ, જુનાગઢ, સુખપુરના રસ્તાઓ વીજપોલ ધરશાયી થવાના કારણે બંધ થઇ ગયા હતા.
બગસરા પંથકની વાત કરીએ તો વાવાઝોડાથી પ્રભાવિત હામાપુર, સાપર, લઘીયા, મંજીયાસર ગામો સોમવાર રાત્રિથી જ સંપર્ક વિહોણા બની ગયા હતા. અહીંના ગ્રામ્ય માર્ગો ઉપર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાના કારણે બગસરાથી પણ કોઈ ત્યાં જઈ શકતું ન હતું.
10માંથી માત્ર એક પેટ્રોલપંપ જ ચાલુ, લાંબી કતારો જામી : 3થી 4 કલાકે મળે છે પેટ્રોલ
ઉનામાં હાલ પરિસ્થિતિ સામાન્ય થતા ઉનાના નગરજનો પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શહેરમાં હાલ 10 પેટ્રોલ પંપ પૈકી માત્ર એક પંપ ચાલુ છે. માટે લોકો 3થી 4 કલાક લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ પુરાવા માટે એકઠા થયા હતા. ટોળાનો વ્યાપ વધતા તેને વિખેરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 10માંથી 9 પેટ્રોલ પંપ બંધ હોવાને કારણે આ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ ખૂટી જશે એ ડરને કારણે શહેરીજનો વાહનો અને શીશા લઈને લાઈનમાં ઉભા રહી ગયા હતા.