વાવાઝોડાના કારણે ૧૩ લાખથી વધુ લોકોને રાહત છાવણીમાં ખસેડાયા: ભારતીય સેનાની ટીમ પણ બચાવ કામગીરી માટે ખડેપગે
નીરાવ વાવાઝોડું દક્ષિણના રાજ્યો માટે આફત નોતરે તેવી દહેશત છે. વાવાઝોડું પોન્ડુચેરી ધમરોળી તામિલનાડુ પહોંચ્યું છે. ૧૪૫ કિમી. ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. ચેન્નઈમાં પણ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો છે. વાવાઝોડાના કારણે ૧.૩૭ લાખ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. તામિલનાડુમાં નીચાણવાળા વિસ્તારો અને અસુરક્ષિત બાંધકામો માટે તંત્ર સાબદું બન્યું છે. અત્યાર સુધીમાં ૧૩ લાખ જેટલા લોકોને ૪૭૩૦ રાહત છાવણીઓમાં મોકલાઈ ચુક્યા છે. આ ઉપરાંત ભારતીય સૈન્યની ૮ ટુકડીઓ પણ બચાવ કામગીરી માટે ખડેપગે છે બે રેસ્ક્યુ બોટ ને પણ તૈયાર રાખવામાં આવી છે.
અત્યાર સુધીમાં પોંડિચેરીમાં મોટા પ્રમાણમાં વાવાઝોડાએ તબાહી મચાવી હતી. ભારે પવન અને વરસાદના કારણે દરિયાઈ પટ્ટી નજીકના વિસ્તારોને અસર થઇ હતી. હવે વાવાઝોડું તમિલનાડુ માં છે અને ભારે પવન ફુંકાઈ રહ્યા છે. ચેન્નાઇ એરપોર્ટ ઉપર સાંજે ૭ વાગ્યાથી ૧૨ કલાક સુધી કોઈ ફ્લાઇટ નહીં ઉપડે તેવા અધિકારીઓએ આદેશ આપ્યા હતા. નોંધનીય છે કે તામિલનાડુથી પસાર થઈ રહેલું વાવાઝોડું તીવ્ર બનીને ’વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ’માં ફેરવાઈ ગયું છે. જેના પરિણામે અનેક લોકોના જીવન ઉપર જોખમ પણ તોળાયું છે. આ ઉપરાંત માલમિલકત તો મને પણ ગંભીર નુકસાન થઇ હોવાની દહેશત છે.