ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા : ગુજરાતમાં પણ અસર દેખાવાની સંભાવના

અબતક, નવી દિલ્હી : બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિકસિત થઈ રહી છે. જે આગામી શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આને કારણે જે વાવાઝોડું સર્જાશે. જેને જવાદ નામ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જવાદ શનિવાર સુધી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારાને અથડાશે. બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલને કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. એ સિવાય હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે થાઈલેન્ડ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે સાડા આઠ વાગે ઓછું પ્રેશર ઊભું થયું છે. આ પ્રેશર આગામી 12 કલાકમાં આંદામાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી એ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને બે ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ અને નજીકની બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી ચાર ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવાની શક્યતા છે. આ ઓછા પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે.

જેને પગલે આજે ગુજરાતમાં, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે બીજી ડિસેમ્બરે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.

છેલ્લાં 130 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બંગાળ સાગરમાં કોઈ ચક્રવાત નહોતું આવ્યું, પરંતુ ભારત મહાસાગરમાં ડિસેમ્બર મહિનામાં ઘણા ચક્રવાત આવ્યા છે. 1964માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આંદામાન સાગરમાં એક ચક્રવાત ઊભું થયું હતું. આ ચક્રવાતને કારણે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ થવાની સાથે દરિયામાં પણ ઊચી લહેર ઊઠી હતી.

વર્ષ 1891થી 2020 દરમિયાન ડિસેમ્બર મહિનામાં એકવાર પણ ચક્રવાત ઓડિશાના દરિયાકિનારાને અથડાયો નથી. 130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બર મહિનામાં અહીં ચક્રવાત આવી રહ્યો છે. આ પહેલાં 1999માં સુપર સાઇક્લોન સાથે 2013 ફાઈલીન, 2014માં હૂડહૂડ, 2019માં ફાની, 2020માં અમ્ફાન પછી ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.