મહારાષ્ટ્રને રૂ. ૧૫૦૦ કરોડની સહાય આપવા કરાઈ કેન્દ્ર પાસે માંગ
શક્તિશાળી તાઉતે વાવાઝોડાએ ગુજરાત મહારાષ્ટ્ર સહીત અનેક રાજ્યોને ઓછાવત્તા પ્રમાણમાં અસર કરી છે. ત્યારે, હવે તાઉતે વાવાઝોડાને લઈને રાજનીતિ શરૂ થઇ ગઈ છે. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ ગુરુવારે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને ગોવામાં સહીત ૬ રાજ્યોએ ચક્રવાતી વાવાઝોડા તાઉતેને કારણે નુકશાન થયું છે પરંતુ કેન્દ્ર સરકારે માત્ર ગુજરાતને જ આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્ર અને ગોવાને પણ જલ્દી આર્થિક મદદની જાહેરાતની આશા વ્યક્ત કરી છે. તો, મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેન્દ્ર સરકાર વાવાઝોડાથી પ્રભાવિત તમામ રાજ્યોને મદદ કરશે.
ભાજપના નેતાએ આરોપ લગાવ્યો છે કે મહા વિકાસ આઘાડી સરકાર પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને જાણી જોઈને વિવાદ ઉભો કરી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સરકાર છે. મોદીએ બુધવારે વાવાઝોડાથી પ્રભાવિત ગુજરાતની મુલાકાત કરી હતી અને રાજ્યને રાહત કાર્ય માટે ૧ હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમને રાજ્યમાં વાવાઝોડાને કારણે માર્યા ગયેલ લોકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા રાહત પેટે આપવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મંત્રી અને રાજ્યના એનસીપીના પ્રમુખ જયંત પાટીલે ટ્વીટ કરતા કહ્યું છે કે ગત વર્ષે નિસર્ગ વાવાઝોડાને કારણે કોંકણમાં તારાજી સર્જાઈ હતી પરંતુ કેન્દ્રે મામૂલી રકમની રાહત આપી હતી. હવે છ અન્ય રાજ્યોમાં પણ તાઉતે વાવાઝોડાએ નુકશાન વેર્યું છે. પરંતુ ગુજરાત ઉપરાંત અન્ય કોઈ રાજ્યને મદદ નહિ કરી. આ દરમ્યાન શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે ગુજરાતને મળેલ ૧ હજાર કરોડની આર્થિક સહાયથી કોઈ નારાજગી નથી. તે રાજ્ય પણ ભારતનો ભાગ છે અને ચક્રવાતને કારણે નુકશાન થયું છે. રાઉતે પત્રકારોને જણાવ્યું કે વડાપ્રધાન મોદીનું દિલ મોટું છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ કરી છે અને તેઓ કેન્દ્રને ચોક્કસ નુકશાની અંગે જાણ કરશે.
રાજ્યસભાના સાંસદે જણાવ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ શુક્રવારે વાવાઝોડાથી પ્રભાવી વિસ્તારોની મુલાકાત કરશે. તેમને કહ્યું કે જે મદદની જરૂર હશે તેની વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ૧૫૦૦ કરોડ અને ગોવાને ૫૦૦ કરોડની આર્થિક મદદ કરશે.