સારા વર્ષના ‘વાવડ’ આપતા સમાચારમાં આ વખતે દેશભરમાં ચોમાસુ જુન મહિનાની રાહ જોયા વગર મે મહિનાના અંતમાં જ ધમાકેદાર એન્ટ્રી કરી લે તેવા સમાચારોએ આગોતરી વાવણી માટે ખેડૂતોને સાબદે કરી દીધા છે. 80ના દાયકા બાદ લાંબા સમય પછી ચોમાસાના આગમન પૂર્વે જ ઉભી થયેલી વાવાઝોડાની પરિસ્થિતિ આ વખતે પ્રિ-મોન્સુન માહોલમાં વાવણી લાયક વરસાદ કરી દે તેવી શકયતા ઉભી થઈ છે.

દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ સીસ્ટમ કેરળમાં 31 મે થી વિધિવત રીતે વરસાદ વરસાવવાનું શરૂ કરે તેવી ભારતીય હવામાન વિભાગે શુક્રવારે વરતારો આપ્યો છે. સામાન્ય રીતે 15 જૂનથી સત્તાવાર રીતે ચોમાસુ બેસે છે પરંતુ આ વખતે વાવાઝોડાના કારણે એક અઠવાડિયુ વહેલુ આવી જાય તેવું જાણવા મળ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, 2005 થી 2020 સુધીની ત્વારીખમાં વર્ષ 2015ને બાદ કરતા ચોમાસાની જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં બે મહિનાના અંતિમ અઠવાડિયે વરસાદનું વિધિવત આગમન થઈ જશે.

આંદામાન-નિકોબાર અને ઉત્તર-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં સામાન્ય રીતે 22મી મે થી ચોમાસુ સીસ્ટમ સક્રિય થઈ જશે અને મે મહિનાના અંતિમ સપ્તાહમાં જ દક્ષિણમાં સક્રિય થયેલુ ચોમાસુ ગુજરાત ભણી વહેલુ પહોંચી જશે. વાવાઝોડા તૌકેત પ્રિ-મોન્સુન વરસાદની પરિસ્થિતિને લઈને 2 થી 6 ઈંચ સુધી વરસાદની શકયતાઓ ઉભી થઈ છે. સામાન્ય રીતે 15 જૂને વિધિવત રીતે ચોમાસુ શરૂ થાય છે અને બે થી અઢી ઈંચ વરસાદ થાય એટલે ખેડૂતો વાવણી શરૂ કરી દેતા હોય છે. હવે જૂન મહિનાનું આગમન નજીકમાં છે ત્યારે વાવાઝોડાને લઈને ઉભી થયેલી વરસાદની પરિસ્થિતિમાં જો 2 થી 5 ઈંચ વરસાદ થઈ જાય તો ચોમાસુ પહેલા જ વાવણી શરૂ થઈ જશે.

દેશભરમાં વાવાઝોડા તૌકેતના પગલે વરસાદની પરિસ્થિતિ ચોમાસુ વહેલું લાવી દે તેવી શકયતા ઉભી થઈ છે. 1980ના દાયકા બાદ દેશમાં ચોમાસા પૂર્વે વાવાઝોડાના સંયોગથી વરસાદ વહેલો થાય તેવી શકયતા સેવાઈ રહી છે.

વાવાઝોડુ તૌકેત અંગે હવામાન વિભાગે શુક્રવારે કરેલા વરતારામાં અરબ સાગરમાં ઉભા થનારા હવાના હળવા દબાણને લઈને 16 થી 19 દરમિયાન 150 થી 160 કિ.મી.ની ઝડપે પવન અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. લક્ષદ્વીપ ટાપુ અને દેશના કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે. તામિલનાડુ, કર્ણાટક, કોંકણ, ગોવા અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે. કેરળના 5 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 53 ટીમો વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળનો સમાવેશ થાય છે. તૌકેતના પગલે દેશભરના માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને આ વખતે ચોમાસુ વહેલુ શરૂ થઈ જશે.

તૌકતે નામ કેમ પડ્યું

આ વખતે વાવાઝોડાનું નામ આપવાનો વારો મ્યાનમારનો હતો. ગેકો શબ્દ પરથી આ વર્ષના પ્રથમ વાવાઝોડાને તૌકતે નામ અપાયું.

તૌકતેના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાબદે

વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સાબદે કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના કાંઠાળ વિસ્તારમાં અને નિચાણવાળા વિસ્તારોમાં જરૂર પડ્યે બચાવ રાહત કામગીરી માટે ટીમોને સાબદે રહેવા તાકીદ કરી છે. એનડીઆરએફની 53 ટીમોને મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક, કેરળના 24 અસરગ્રસ્ત જિલ્લાઓમાં સાબદે રહેવાની તાકીદ કરવામાં આવી છે.

80ના દાયકા બાદ પ્રથમવાર ચોમાસા પૂર્વે વાવાઝોડાનો સંયોગ

સામાન્ય રીતે 15 જૂનથી શરૂ થતું ચોમાસુ આ વખતે વાવાઝોડાની અસરને લઈને વહેલુ શરૂ થાય તેવા સંજોગો ઉભા થયા છે. આ અગાઉ 80ના દાયકામાં પ્રિ-મોન્સુન માહોલમાં થયેલા વાવાઝોડાએ વહેલુ ચોમાસુ આપ્યું હતું. આ વખતે વહેલુ અને મોડે સુધી ચોમાસુ ચાલે તેવું દેખાઈ રહ્યું છે.

પોરબંદર સહિતના બંદરો પર બે નંબરનું સિગ્નલ

રવિવારથી 150 થી 175 કિ.મી.ની ઝડપે ફૂંકાનારા પવનને પગલે બંદરો પર બે નંબરના સિગ્નલો લગાવી દેવાયા છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના કાંઠાળ વિસ્તારમાં વરસાદ

અરબ સાગરમાં સર્જાયેલી હવાના દબાણની પરિસ્થિતિને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે 16 થી 18 દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.