ખાંભા તાલુકાના ગીદરડી ગામની મહિલા ભાણીયા ગામના યુવકના પ્રેમમા હતી અને છેલ્લા પાંચ વર્ષથી લગ્ન વગર તેની સાથે રહેતી હતી અને વાવાઝોડામા વાડીની ઓરડી પડી જતા તેનો સામાન ફેરવવાના મુદે બોલાચાલી થતા પ્રેમીએ મારમારી તેની હત્યા કરી લાશ દાટી દીધી હતી. પોલીસે શંકાના આધારે પુછપરછ કરતા પ્રેમીએ હત્યા કર્યાની કબૂલાત  કરી હતી. અને પોલીસે ખાડો ખોદી લાશનો કબજો મેળવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ખાંભાના ગીદરડી ગામની વિલાસબેન કરશનભાઇ કાપરીયા નામની યુવતીને ભાણીયાના હનુ ભીખા ખસીયા સાથે પ્રેમસંબંધ થઇ ગયો હતો. જેથી છેલ્લા પાંચ વર્ષથી તે તેની સાથે રહેવા ચાલી ગઇ હતી. ગત વાવાઝોડા બાદ બીજા દિવસે વિલાસબેનનો ભાઇ અશ્વિન કાપરીયા તેને મળવા માટે ભાણીયા ગયો હતો. પરંતુ તે સમયે હનુ ખસીયાએ તારી બહેન વાવાઝોડા બાદ જતી રહ્યાંનું કહ્યું હતું વિલાસનો ભાઇ વાવાઝોડા પછી બે ત્રણ વખત ભાણીયા ગામે ગયો હતો. અને વિલાસ અંગે પુછપરછ કરી હતી પરંતુ દરેક વખતે હનુએ એવુ રટણ કર્યુ હતુ કે તારી બહેન વાવાઝોડા બાદ કયાંક જતી રહી છે. અને કયાં ગઇ છે તેની મને ખબર નથી. તપાસ બાદ પણ તેનો પતો મળ્યો ન હતો.

બાદમા આ પરિવારને વાતો વાતથી જાણવા મળ્યું હતુ કે હનુ ખસીયાએ વિલાસને મારી નાખી છે અને લાશને આજુબાજુમા ખાડો ખોદી દાટી દીધી છે. જેને પગલે અશ્વિન કાપરીયા તેના પરિવાર સાથે ખાંભા પોલીસ મથકે દોડી ગયો હતો. અને પોતાની બહેન ગુમ થઇ છે અથવા તેને મારી નખાઇ છે તેવી પોલીસને અરજી આપી હતી.

ખાંભા પોલીસે હનુ ખસીયાને પુછપરછ કરતા તેણે હત્યા કર્યાનુ કબુલ કરી લીધુ હતુ. તેણે પોલીસને જણાવ્યું હતુ કે વાવાઝોડાના કારણે વાડીની ઓરડી પડી ગઇ હતી અને સામાન દટાઇ ગયો હતો. જેથી બંને વાડીએ ગયા હતા. તેણે વિલાસને સામાન કાઢવામા મદદ કરવા કહ્યું હતુ. પરંતુ તેણે મદદ કરવાની ના પાડી હતી અને બંને વચ્ચે બોલાચાલી થતા હનુ ખસીયાએ વિલાસને ઢોર માર માર્યો હતો. જેથી તેનુ મોત થયુ હતુ. હત્યા બાદ તેણે વાડીની ઓરડીથી થોડે દુર ખાડો ખોદી અને તેમા વિલાસની લાશ દાટી દીધી હતી. કબુલાત બાદ પોલીસે હનુએ દર્શાવેલી જગ્યાએ ખાડો ખોદી વિલાસની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરી છે.અને હનુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.