તાઉતે વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાવાનું છે. સાથે તે ગુજરાતને ધમરોળવાનું પણ છે. જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવા અનુરોધ પણ કર્યો છે. વાવાઝોડાને પગલે 17મીએ સૌરાષ્ટ્ર,કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે.આજથી 19મી સુધી અમદાવાદ, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડા સહિતના 15 જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે તેજ પવન પણ ફૂંકાશે જેની ગતિ 70થી 175 કિ.મી.ની રહે તેવી સંભાવના છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ડો. ધિમંત વઘાસિયાએ અબતકના માધ્યમથી આગાહી કરતા જણાવ્યું છે.અનેક વિસ્તારોમાં વધુમાં વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ રહે તેવી શકયતા છે.
વધુમાં આ દરમિયાન રાજ્ય સરકારે દોઢ લાખથી વધુ નાગરિકોને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે સલામત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરી હતી. બચાવકાર્ય માટે દરિયાકિનારાના જિલ્લામાં 44 એનડીઆરએફ અને 6 એસડીઆરએફની ટીમ ઉપરાંત એસઆરપી, પોલીસ, હોમગાર્ડને પણ તહેનાત કરાયા છે. માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ સહિત કુલ 17 જિલ્લામાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ તાઉતે વાવાઝોડાના પગલે 15 જેટલા જિલ્લામાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે. જેને કારણે જાણે ચોમાસુ વહેલું બેસી જવાનું હોય તેવો ઘાટ સર્જાયો છે. જેથી આગોતરા વાવેતર અંગે ખેડૂતોને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે અબતક દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહશિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે આગોતરા વાવેતરના ઉજળા સંકેતો છે. હાલની પરિસ્થિતિમાં કપાસ અને કઠોળનું આગોતરૂ વાવેતર અશક્ય છે. માત્ર મગફળીનું આગોતરૂ વાવેતર જ સફળ રહેશે.