રાજકોટ, અબતક
કોરોના વાયરસની બીજી લહેરએ ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવી દીધો હતો. પરંતુ હાલ વાયરસની રફતાર વાવાઝોડાંએ કાપી નાખી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ચોતરફ કોરોના… કોરોના… થઈ રહ્યું હતું. તેની જગ્યાએ હવે વાવાઝોડું… વાવાઝોડું…થઈ રહ્યું છે. કેટલા કેસ વધ્યા ? કેટલાના મોત થયા ? કેટલા સાજા થયા તેની જગ્યાએ હવે ક્યાં કેટલો વરસાદ પડ્યો ? ક્યાં કોને કેટલી જાનહાનિ થઈ ? કેટલી ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે ? વરસાદ હજુ વધુ વધશે કે કેમ ? વાવાઝોડું ક્યારે જશે ? પાકોને નુકસાન થશે તેવા પ્રશ્નોએ હારમાળા સર્જી છે. વાવાઝોડું આવ્યું ને કોરોના ભાગી ગયું હોય તેમ પરિસ્થિતિ ઊભી થઇ છે. નવા કેસમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સામે રિકવરી રેટ પણ બે ગણો થઈ ગયો છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ લોકો કોરોનાને ભૂલી વાવાઝોડાની ચર્ચામાં આવી ગયા છે. નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 7,135 કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે નવા કેસની સંખ્યા 7,59,754 થઈ ગઈ છે, જ્યારે 81 લોકોના મોતથી રાજ્યમાં ડેથ રેટ વધીને 9,202 થયો છે તો આ સામે સૌથી વધુ 12,342 લોકો સાજા થઈ ઘરભેગા થઈ ગયા છે. અત્યાર સુધીમાં કુલ 6,50,932 લોકોએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે તો આ સાથે કુલ રિકવરી રેટ વધીને 85.68 ટકાએ પહોંચી ગયો છે.
ગત 24 કલાકમાં અમદાવાદમાં 2,377 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ વડોદરા 701, સુરત 518, જૂનાગઢ 382, જામનગર 283 અને ભાવનગર 190 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે તાઉતે ચક્રવાતને પગલે રાજ્યમાં કોવિડ -19 રસીકરણ ડ્રાઇવ સોમવાર અને મંગળવાર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં રસીના 1,47,81,755 ડોઝ આપવામાં આવ્યા છે.