કોર્ટે વધુ રિમાન્ડ મંજૂર ન કયાર્ર્; આરોપીઓને જેલ હવાલે કરાયા
જૂનાગઢના ડુંગરપુર નજીક સાત આઠ માસ અગાઉ સિંહબાળની હત્યા કરી, મૃત સિંહ બાળને દાટી દઈ, નખ કાઢી વેચી નાખનાર ટોળકીની રિમાન્ડ પૂરી થતાં કોર્ટે તમામને જેલ હવાલે કરેલ છે.
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં એક સિંહણ એ પોતાના સિંહ બાળને ફાંસલામાંથી બચાવવા માટે એક શખ્સ ઉપર કરેલા હુમલાની વન વિભાગને જાણ થયા બાદ ઘવાયેલા શખ્સને શોધવા જતા કોથળામાંથી બિલાડું નીકળ્યો હોય તેમ શિકારી ટોળકી દ્વારા ગોઠવવામાં આવેલા ૧૫ જેટલા ફાંસલા મળી આવ્યા હતા અને બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું તથા ૩૮ લોકોની ધરપકડ કરી હતી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આ ઘટનાથી ચિંતિત બની હતી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ત્યારે લોક ડાઉન ના સમય દરમિયાન એટલે કે સાત આઠ માસ પહેલા ડુંગરપુર દક્ષિણ રેન્જ નજીકના રેવન્યુ વિસ્તારમાં એક સિંહબાળને ફાંસલામાં ફસાવી, તેના નખ કાઢી, સિંહબાળને નજીકના ડેમ પાસેના કેનાલ કાઠે દાટી દીધા હોવાનું અને તેના નખ ક્રીમ પરમાર નામના શખ્સે પાલનપુર વેચી દીધા હોવાનું શિકારી ટોળકી પૈકીના સોનિયા ગુલાબ પરમારે રિમાન્ડ દરમિયાન કબુલત આપી હતી.
જો કે બાદમાં વન વિભાગે આ અંગે ગુનો નોંધી ગત તા. ૧૨ ફેબ્રુઆરીના સોનિયા ગુલાબ પરમાર (ઉ.વ. ૩૩) વિજય હીરા પરમાર (ઉ. વ. ૨૨) સુલેમાન ગોપી પરમાર (ઉ. વ. ૩૭) તથા સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામના લાલજી પરમાર (ઉ.વ. ૪૨) અને જીવણ સિંહ લાલજી પરમાર (ઉ. વ. ૨૨) ની આ ગુના સબબ ધરપકડ કરી, જૂનાગઢની કોર્ટમાં સાત દિવસની રિમાન્ડની માંગ સાથે વન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટે આ પાંચેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરેલ હતા.
આ રિમાન્ડ દરમિયાન પકડાયેલા આરોપીઓએ સિંહની હત્યા કરી હોવાનું અને તેના સિંહણ નખ પાલનપુરના એક શખ્સને વેચી નાંખ્યા હોવાની સાથે હત્યા કરાયેલ સિંહબાળને દાટી દીધા હોવાની લેખિતમાં કબૂલાત કરી હોવાનું જાણવા મળેલ છે. દરમિયાન ગઈકાલે આ તમામ આરોપીઓની રિમાન્ડ પૂરી થતાં, લાઈવ દિતેકશન ની માંગ સાથે, વન વિભાગ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે જૂનાગઢની કોર્ટે આ માંગ નો ઇનકાર કરી, તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.