તંત્ર દ્વારા દરરોજ ૧૦ હજાર પ્રવાસીઓ માટેની મંજુરી અપાતા વધારાનાં પ્રવાસીઓને નિરાશવદને પરત ફરવું પડે છે
કેવડિયા કોલોની ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ રહ્યું છે ત્યારે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસે આવતા નજરે પડે છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સુવિધાઓ ન અપાતા પ્રવાસીઓએ નાસીપાસ થવું પડે છે. સરદાર સરોવર ડેમ ભરાઈ જતાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રેક્ષક ગેલેરીથી તે નજારો માણવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા હોય છે.
રવિવારનાં રોજ અને વરસાદી વાતાવરણ વચ્ચે પણ અંદાજીત ૨૫ હજાર જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા પરંતુ બે થી અઢી કલાક જેટલો સમય ટીકીટ બારી પર વિતાવતા તેઓ નાસીપાસ થઈ ઘર પરત ફર્યા હતા. ઘણા ખરા લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રેક્ષક ગેલેરીનો પણ લાભ લઈ શકયા ન હતા. ભારે વરસાદનાં કારણે સરદાર સરોવર ડેમ ભરાઈ ગયો છે ત્યારે ડેમનો નજારો માણવા માટે અને તેની આજુબાજુની સૌંદર્યતા નિહાળવા માટે ઠેર-ઠેરથી પ્રવાસીઓ પ્રવાસે જતા હોય છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પ્રેક્ષક ગેલેરી પર ઉભા રહી નજારો માણવા માટે જે કોઈ પ્રવાસી ઓનલાઈન બુકિંગ કરાવ્યા હોય છે તેઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી પરંતુ જે કોઈ પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ નથી કરાવતા અને છેલ્લી મીનીટે ફરવા જવાનું આયોજન કરતા હોય તો તેઓએ માત્ર એકિઝબીશન એરિયા જોઈને જ પરત ફરી જવું પડે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા પ્રવાસી રીતેશ પટેેલે જણાવ્યું હતું કે, તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સહપરીવાર પ્રવાસ માટે સ્પેશ્યલ ગાડી બુક કરાવી આવ્યા હતા પરંતુ ભારે ભીડનાં કારણે તેઓનો પ્રેક્ષક ગેલેરીમાં વારો ન આવતા તેઓએ નિરાશાવદને પરત ફરવું પડયું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માત્ર બે લીફટ હોવાથી પ્રવાસીઓને ઘણી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૮૨ મીટર ઉંચા સરદાર પટેલનાં સ્ટેચ્યુ ખાતે પ્રેક્ષક ગેલેરી ૧૫૩ મીટર પર આવેલી છે જે આજુબાજુનો નજારો જોવા માટે અત્યંત રમણીય જગ્યા હોવાનું પણ મનાય છે પરંતુ તંત્ર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવી જોઈએ તે ન મળતાં અનેકવિધ પ્રવાસીઓએ નાસીપાસ થઈ ઘર પરત ફરવું પડે છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર પ્રતિ દિવસ પ્રેક્ષક ગેલેરી પર ૧૦ હજાર પ્રવાસીઓ માટેની મંજુરી આપવામાં આવે છે. જયારે રજાનાં દિવસોમાં અને સપ્તાહનાં અંતમાં પ્રવાસીઓમાં વધારો થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને ઘણીખરી સમસ્યાનો સામનો કરવો પડે છે.