તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા
દેશની આઝાદી માટે જીવ પાથરવા તૈયાર શહીદોએ દેશ માટે રકત રકત વ્હાવ્યા ભારતમાતાને વિદેશી રાક્ષસોથી રક્ષણ અપાવનાર શહીદોની માળાના અમૂલ્ય મણકા સમાન સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતી છે. ‘તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’ આજે પણ તેમનું આ વાકય સાંભળી કે વાંચી રૂવાડા ઉભા થઈ જાય એવા ભારતીયોએ આજના દિવસે ભારતમાં જન્મેલા ‘બોઝ’ને સલામી આપવી જોઈએ નીડર અને સાહસી એવા સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ નેતાજી સુભાષચંદ્ર બોઝના મ્યુઝિયમનું લાલ કિલ્લામાં ઉદઘાટન કર્યું છે. આ સંગ્રહાલય નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઈન્ડીયન નેશનલ આર્મી ઉપર આધારીત છે. જેમાં બોઝ અને આઈએનઈ સંબંધીત શિલ્પકૃતીનો અદભૂત સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ સંગ્રહાલયમાં નેતજી દ્વારા વાપરવામાં આવતી વસ્તુઓ જેમ કે ખુરશી, તલવાર, પદક, વરદી અને તેના સામાનની સાચવણી કરવામાં આવી છે.આ ઉપરાંત વડાપ્રધાન મોદી દ્વારા ‘યાદ એ જલિયા’ નામના સંગ્રહાલયનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે. જે ૧૯૧૯માં થયેલ જલિયાવાલા નરસંહારના ઈતિહાસથી લોકોને રૂબરૂ કરાવવાની સાથે વિશ્વ યુધ્ધ એકના ભારતીય સૈનિકોની વીરતાનો પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. ત્રીજા સંગ્રહાલય ૧૮૫૭નાં સ્વતંત્રતા સંઘર્ષની ઐતિહાસીક ગાથાને પ્રસ્તુત કરે છે. માટે તે સમયના બલિદાનની ઝાંખી આ મ્યુઝીયમમાં દેખાશે.
નેતાજીએ ૧૯૪૪માં આઝાદ હિન્દ ફૌઝની સ્થાપના કરી અંગ્રેજો ઉપર આક્રમણની તૈયારી શરૂ કરી દીધી હતી. અને તેમણે કેટલાક ભારતીય પ્રદેશોને અંગ્રેજોથી મુકત પણ કરાવ્યા અને અંતિમ શ્વાસ સુધી લડયા હતા. આપણા શૌર્ય અને સંગઠનની શકિત દ્વારા માનવતાનું ઉધ્ધાર કરનાર અમર વિભૂતીને નમન.