- ઋતુકલ્પનો વૈભવ જ આપણું જીવન
તહેવારો અને પ્રેમનો મહિમા આપણા જીવન સાથે વણાયેલો છે : શરદ ઋતુ-પ્રકૃતિના વિવિધ રંગરૂપ આપણને પ્રેમ શિખવે : ભારત ઋતુઓનો દેશ છે, કારતકથી આસો બાર મહિના વિવિધ ઋતુઓ સાથે માનવહૈયા પણ મલકાય છે.
૬૦ દિવસની એક ઋતુ મુજબ શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા જેવી આખા વર્ષની છ ઋતુ છે, પ્રકૃતિનું સૌંદર્ય દરેક ઋતુમાં જુદો-જુદો મિજાજ પ્રગટ કરે અને પ્રકૃતિ જ સ્વયં પ્રેમનું પ્રતિક બને છે.
ચોમાસા પછીની લીલી છમ હરિયાળી માનવહૈયાને હરખાવે છે. પાણી, વૃક્ષો, પહાડો, જંગલોનું કુદરતી વાતાવરણ આપણને સૌને ગમે છે. કોઇપણ સંસ્કૃતિ નદી કાંઠે જ ઉછરી હોય છે, જેમકે સિંધુ નદીની સંસ્કૃતિ, આપણો દેશ ઋતુઓનો દેશ છે. આપણાં વિવિધ તહેવારો અને ઋતુઓને પ્રાચીનકાળથી સંબંધ છે. આપણાં ગુજરાતી બાર મહિનામાં વિવિધ છ ઋતુઓનો બદલાવ આપણે જોઇએ છીએ. પ્રકૃતિનું સૌંદર્ય દરેક ઋતુમાં તેનો જુદો-જુદો મિજાજ બતાવે છે. સ્વયં પ્રેમનું પ્રતિક ‘પ્રકૃતિ’ જ છે.
મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે તેના ‘ગીતાંજલિ’ મહાકાવ્યમાં જણાવ્યું છે કે પ્રકૃતિના વિવિધરૂપો જ આપણને પ્રેમ શીખવે છે. માનવ તેના જીવનમાં પ્રકૃતિને ચાહ્યા વગર પ્રેમની અનુભૂતિ ન કરી શકે. આપણી ઋતુઓના નામ ઉપરથી તેના નામ પડ્યા છે, જેમ કે વર્ષા ઋતુ, શરદ ઋતુનો પ્રારંભ થયો છે. ભાદરવો અને આસો માસ આ ઋતુના મહિના છે. આ ઋતુમાં સૌથી વધુ તહેવારો આવે છે. જેમાં નવરાત્રિ, શ્રાધ્ધ, દિવાળી વિગેરે આવે છે. શરદ ઋતુને ઋતુઓની રાજકુમારી પણ કહેવાય છે. શતમ જીવમ શરદ અર્થાત સો શરદ ઋતુ સુધી આપ જીવો તેવા વડિલો આશિર્વાદ આપે છે. શરદ ઋતુની છેલ્લી પૂનમ એટલે ‘શરદ-પૂનમ’ જેમાં યુવા હૈયાઓ ખીલી ઉઠે છે. રઢિયાળી રાતડીનો આપણા જીવનમાં મહત્વ છે. સોળે કળાએ ખિલેલા શરદ પૂનમના ચંદ્ર જ પ્રકૃતિના અફાટ પ્રેમનું પ્રતિક છે.
પ્રાચિન ભારતના સાહિત્ય પ્રમાણે છ અલગ-અલગ ઋતુના વર્ણન જોવા મળે છે. ફાગળથી ચૈત્ર-વસંત, વૈશાખથી જેઠ-ગ્રીષ્મ, અષાઢ થી શ્રાવણ-વર્ષા, ભાદરવાથી આસો-શરદ , કારતકથી માગસર-શિશિર, અને પોષથી મહા-હેમંત ઋતુનો ઉલ્લેખ જોવા મળે છે. બાર મહિના વર્ષમાં ચાર-ચાર માસની ત્રણ ઋતુમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય છે. અત્યારે ચાલતી શરદ ઋતુમાં વરસાદ કે વરસાદ વિહન પણ વાદળ છાયા ભેજવાળા દિવસો આસો મહિનાના અંત સુધી જોવા મળે છે. મોડી રાત્રીએ ગુલાબી ઠંડીનો ચમકારો પણ જોવા મળે છે. આ પછી આવતી શિશિરમાં તો ઠંડીના દિવસો શરૂ થતાં સવારના કુણા તડકાની મોજ પડી જાય છે.
ઋતુ પ્રમાણે આપણા માનવ જીવનમાં બદલાવ સાથે ખાન-પાન અને રહન-સહન સાથે વસ્ત્રોમાં પણ બદલાવ આવે છે. ખેડૂતો માટે તો ચોમાસા પાકની અગત્યની ઋતુ ચોમાસું છે. કાગળ-ચૈત્રમાં ચોમેર દિશાએ વસંત ઋતુ ખીલી ઉઠે છે. પુષ્પ સાથેની વનસ્પતિમાં પુષ્પો આવે ગરમી પડવા લાગેને ઘટાદાર વૃક્ષોનો છાંયડો પશુ-પંખી માટે નિરાંતનો વિસામો બની જાય છે. એવી જ રીતે વહેલી સવારે ધુમ્મસ છવાય ને આખો દિવસ ગરમીની હેમંત ઋતુ પણ આવે છે.
ઋતુઓનો રાજા એટલે ‘વસંત’ ઋતુ. શિયાળો, ઉનાળો, ચોમાસુ ત્રણ મુખ્ય ઋતુને તેની પેટા છ ઋતુઓ સાથે આપણું વાર્ષિક કેલેન્ડર જોડાયેલું આપણા દેશ જેવી ઋતુઓનું વૈવિધ્ય ભાગ્યે જ જોવા મળે છે. જો કે ગ્લોબલ વોર્મિંગને કારણ હવે તેના ચક્રોમાં પણ પરિવર્તન આવવા લાગ્યા છે. ઋતુઓ આપણાં જીવનને વિવિધતાથી ભરી દે છે. બધી જ ઋતુઓમાં રંગ અને ઉમંગ જોડાયેલ હોય છે. કવિઓની કલમ તો કુદરતી વાતાવરણમાં ખીલી ઉઠે છે.
આપણાં ઋતુ ચક્રોની સામાન્ય સમજ દરેકે મેળવવી જોઇએ જેમાં ઋતુ ક્યારે બેસે, તેના દેખાવનું વર્ણન, તેમાં થતા વિવિધ પાકોની માહિતી અને ઋતુઓમાં આવતા તહેવારોની જાણકારી હોવી જોઇએ. અંગ્રેજી કેલેન્ડર આવતા ઘણાને ગુજરાતી ઋતુ, તહેવારો પણ ભૂલાઇ જાય છે. વિદેશમાં રહેતા ગુજરાતી આ વાત સાવ વિસરી ગયા છે. આજે તો મંદિરોમાં બ્લેક બોર્ડ ઉપર તહેવારો સાથે પૂનમ-અમાસ કે એકાદશીની નોંધ જોવા મળે છે.
ઋતુચક્રોની ઘણી વાતો સાથે શરદ ઋતુ એટલે સપ્ટેમ્બર થી નવેમ્બર ગણાય. આ ઋતુમાં તહેવારોની હારમાળામાં નવરાત્રિ, દશેરા, દિવાળી, નવુ વર્ષ, શરદ પૂનમ જેવા મોટા તહેવારો આવે છે. ખેતરો પાકથી લચી રહ્યા હોય સાથે તૃણધાન્ય જેવા કે બાજરો, મકાઇ, ચોખા વિગેરે તૈયાર થઇ જાય છે. શાકભાજી ખૂબ જ પાકતા હોવાથી આ દિવસોમાં તે ખૂબ જ સસ્તા હોય છે. આપણે ત્યાં ઋતુ પ્રમાણેના વિવિધ ફળો પણ આવે છે તેથી તે ખાવા જોઇએ.
શરદ ઋતુમાં રોગચાળો પણ હોય છે, તાવ-શરદી, ઉધરસ-ઝાડા, કોલેરા જેવી વિવિધ સમસ્યાના ઋતુ જન્ય રોગો થાય છે. આ ગાળામાં સિઝનલ ઇન્ફેક્શન બાળકને બહુ જ લાગી જાય છે. આ ઋતુમાં ખાન-પાનમાં સૌ એ કાળજી લેવી જરૂરી છે. વરસાદી મૌસમ જવાની તૈયારી હોયને નદી, નાળા, તળાવો, સરોવરમાંથી પાણી ઓછુ થવા લાગે છે. ખળખળ વહેતી નદીઓ ચોખ્ખી થઇ જાય છે, રસ્તાઓ ચોખ્ખા થઇ જાય છે. રાત્રે વાદળ ભૂરાશ પડતું દેખાવા લાગે છે. ચંદ્રમાનું પૂર્ણ સ્વરૂપ જોવાનો અનેરો આનંદ છે. તળાવને સરોવરમાં કમળ ખીલવા લાગે છે.
શરદ ઋતુના અંતે શરદ પૂનમ આવે છે. આ દિવસને મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મિકી જયંતિ તરીકે પણ ઉજવાય છે. શરદ ઋતુ જ મનને પ્રફુલ્લીત કરવાની ઋતુ છે. આ ઋતુની શરદ રાતડીને શ્રેષ્ઠ રાત્રિ ગણવામાં આવે છે. આપણું કેલેન્ડડર ચંદ્રના પંચાગ મુજબ ચાલે છે. કૃષ્ણ ભગવાનને પણ આ શરદ ઋતુની પૂનમની રાત બહુ જ ગમે છે. આ દિવસે કરેલ દાન-નૈવૈદ્યનો ઘણો મહિમા છે.
ગુજરાતી બારમાસી કેલેન્ડર
ઋતુ મહિના પ્રમાણેના અનુભવ પણ આપણને થાય છે.
વસંત ફાગણ-ચૈત્ર .. ગરમી વધે-ફૂલો ખીલી ઉઠે
ગ્રીષ્મ વૈશાખ-જેઠ… ભેજનું પ્રમાણ વધેને ગરમીનો પારો આસમાને ચડે
વર્ષા અષાઢ-શ્રાવણ.. વરસાદી માહોલ
શરદ ભાદરવો-આસો… વાદળ છાયા ભેજવાળા દિવસો રાત્રે ઠંડી પડેને રોગચાળો પ્રસરે
શિશિર કારતક-માગશર…. ઠંડીનો મૌસમ
હેમંત પોષ-મહા….ધુમ્મસ છવાય અને દિવસે ગરમી પડવા લાગે
ઋતુ ઉપરથી આવતા વિવિધ શબ્દો
ઋતુમૂળ – ઋતુયાજ – ઋતુમુખ – ઋતુમાન – ઋતુ ઉતરવી કે બેસવી – ઋતુઅસ્નાન – ઋતુકર – ઋતુકાલ – ઋતુકાલીન – ઋતુકાળ – ઋતુક્રાંતિ – ઋતુગમન – ઋતુગામી – ઋતુગ્રહ – ઋતુઘેલું – ઋતુચક્ર – ઋતુચર્યા – ઋતુજા – ઋતુદર્શન – ઋતુદાન – ઋતુદેવ – ઋતુદોષ – ઋતુધર્મ – ઋતુધામા – ઋતુધ્વજ – ઋતુધ્વજ કિશોર – ઋતુનાથ – ઋતુનિવૃતિ – ઋતુપતિ – ઋતુપર્ણ – ઋતુપર્યાય – ઋતુપાત્ર – ઋતુપુત્ર – ઋતુપાંડુ – ઋતુબંધ – ઋતુભૂજ – ઋતુભેદ – ઋતુમન – ઋતુમતી
અરુણ દવે