શહેરના ગરીબ અને જરૂરિયાતમંદને વ્હારે આવતી સ્થાનિક પોલીસ
અબતક, રાજકોટ
પોલીસ પ્રજાની મિત્ર છે તે શબ્દોને સાર્થક કરતી કામગીરી બી-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે હાથધરી હતી. જેમાં જુદા-જુદા વિસ્તારમાં પોલીસે ફૂટપાથ પર સુતેલા લોકોને ધાબળા તથા સિનિયર સિટીઝનને વેકસીનેશન અને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં કાર્યરત ભરોસા ચોકી ખાતે દુર્ગાશક્તિ ટીમ દ્વારા માનવતા મહેકાવામાં આવી હતી. જેમાં કેસરી પુલ વિસ્તારમાં ફૂટપાથ પર સુતેલા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ દુર્ગાશકતીની ટીમ દ્વારા સિનિયર સિટીઝનોને રસીકરણ આપવા માટે પણ બીડું ઝડપ્યું હતું. જેમાં બુસ્ટર ડોઝ અને બે ડોઝ લેનારા સિનિયર સિટીઝનને પોલીસની ટીમ દ્વારા તેમને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.
તો બીજી તરફ બજારોમાં જામતી માનવ મેદનીમાં કોરોના સંક્રમનને કાબુ કરવા માટે અનેક પગલાંઓ લેવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસની ટીમે ફેરિયાઓ સહિત માસ્ક વગર ફરતા લોકોને પણ માસ્કનું વિતરણ કરાયુ હતું.