ભારતીય વાયુસેના ફક્ત દેશનાં સીમાડાઓનું જ રક્ષણ નથી કરતી પણ દેશની અંદર પણ આવી પડતી કુદરતી વિપદાઓમાં પોતાનું શૌર્ય અને ખમીર દર્શાવે છે. સામાન્ય સંજોગોમાં લોકોની જાણકારી અને માન્યતા એવી હોય છે કે સોનાનું કાર્ય દેશની રક્ષા કરવાનું અને દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવા પુરતુ મર્યાદિત હોય છે.

પણ સાચી હકીકત એ છે કે દેશનાં સીમાડાઓની રક્ષા ઉપરાંત સેના કે જેમાં વાયુ સેના, થલ સેના અને નેવી મુશ્કેલીમાં સપડાયેલા દેશનાં કોઇપણ નાગરીકને ઉગારવા માટે પણ ટ્રેઇન થયેલી હોય છે. જેમ કે નેવીનું કાર્ય માત્ર દરિયાઇ સીમાની રક્ષા કરવા પુરતુ સિમિત નથી પણ કોઇ મછવારો નાવીક મધ દરીયે મુશ્કેલીમાં સપડાય ત્યારે તેને બચાવવા માટે નેવીની મદદ લેવામાં આવે છે. જેમાં તટ રક્ષક દળનાં જવાનોની ભૂમિકા પણ મહતવની હોય છે.

થોડા મહિનાઓ પહેલા ક્રૂડ ઓઇલનું વહન કરતા એક વિદેશી જહાજમાંથી સમુદ્રમાં અકસ્માતે ઓઇલ ઢોળાવવાનો બનાવ બન્યો ત્યારે નેવીએ સમુદ્રીજીવોનાં અસ્તિત્વને ખતરો ન થાય એ માટે ઓઇલનાં વહેવાને બંધ કરાવીને સમુદ્રમાં ફેલાયેલા ઓઇલના કદડાને સાફ કરવાનું કાર્ય કર્યુ હતું એજ રીતે વાયુ સેના પણ મધદરીયે રેસ્કયુ ઓપરેશન પાર પાડે છે. પૂર, ભૂંકપ જેવી કુદરતી આપત્તિ વખતે થલ સેનાના જવાનો જ બચાવ કાર્યમાં અગ્રેસર હોય છે.

આવી જ એક ઘટના હમણા જમ્મુ-કાશ્મીરમાં બાંદીપોર જિલ્લાનાં ગુરેજ ગામે ધસી ગઇ. ગામમાં રાત્રે એક બાળકની તબિયત અચાનક લથડતા ડોક્ટરોએ તૌફીક નામના ૯ વર્ષના એ બાળકને તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં સલાહ આપી. ગુજરાત જેવા સપાટ પૃષ્ઠભૂમિ ધરાવતા રાજ્યનાં અંતરીયાળ ગામડાઓમાંથી પણ અડઘી રાત્રે દર્દીને મોટા શહેરની હોસ્પિટલોમાં લઇ જવા માટેની સંભાવના બહુ ઓછી હોય છે.

ત્યારે આ તો જમ્મુ-કાશ્મિરમાં ફેબ્રુઆરી મહિનામાં થતી બરફ વર્ષા અને ખરાબ હવામાન વચ્ચે આ કેવી રીતે શક્ય બની શકે ? બાળકનાં પરિજનોએ પોલીસ અને એરફોર્સને મદદની ગુહાર કરી. આ ગુહાર સાંભળીને એરફોર્સે તુરંત જ ખરાબ હવામાનમાં પણ કાર્યક્ષમણા બતાવી શકે તેવા સ્પેશીયલ હેલિકોપ્ટરની ફાળવણી કરીને તૌફીકને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડી આપ્યો અને એ નવ વર્ષના બાળકને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી ગઇ.તેેના ઉપર છાશવારે પથ્થરમારો કરતા ભટકી ગયેલા કાશ્મિરનાં યુવાનોનાં પાક. પ્રેરિત બ્રેઇન વોશ થયેલા માનસ ઉ૫ર આ સકારાત્મક ઘટનાની કેવી અસર પડે છે તે હવે જોવુ રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.