છેલ્લા આઠ માસથી શાળા-કોલેજો બંધ છે. જેના કારણે બાળકોને યોગ્ય શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ગરીબ વર્ગના બાળકો મોબાઈલના અભાવે ઓનલાઇન શિક્ષણ પણ મેળવી શકતા નથી. ત્યારે આવા બાળકોને શિક્ષણ મળતું રહે, તેમનું ભાવિ ન બગડે અને તેમની અભ્યાસની ટેવ છૂટી ન જાય તેની ચિંતા મોરબીના બે ઉદ્યોગપતિએ કરી છે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક તેમજ સરકારી તમામ ગાઇડ લાઇનના પાલન સાથે અહીં શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે માટે ઉદ્યોગપતિએ બે શિક્ષકોની મદદ લીધી છે. મોરબીના હિતેશભાઈ દેત્રોજા તથા મનીષભાઈ ગડારા લીઓલી નામની કંપની ધરાવે છે. તેમને ત્યાં 350 જેટલા માણસો કામ કરે છે. આ કામદારોના 60 જેટલા બાળકો કોરોના કાળમાં શિક્ષણથી વંચિત હતા.
તેથી આ બંને ઉદ્યોગકારોએ એક ક્લાસ રૂમ બનાવી બે શિક્ષિકા બહેનોને નોકરીએ રાખી અને બે વિભાગમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે 30-30 બાળકોને ભણતર અપાવવાનું ચાલુ કર્યું. મોટાભાગના બાળકો પરપ્રાંતિય હોવાથી તેમને ભાષામાં તકલીફ પડતી હતી. પરંતુ હવે પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા એ સમસ્યા પણ હલ થઈ ગઈ છે. હાલમાં તેમને હિંદી, ગુજરાતી, અંગ્રેજી, ગણિત જેવા વિષયોનું શિક્ષણ અપાય છે. સાથે ટીચિંગ લર્નિંગ મોડ્યુલ અને રમત-ગમત દ્વારા પણ ભણાવાય છે. ગરીબ બાળકો પાસે ઓનલાઇન ભણી શકાય તે માટે સ્માર્ટ ફોન પણ ક્યાંથી હોય? આ ઉદ્યોગપતિઓએ તેની પણ ચિંતા કરી અને બાળકોનું આરોગ્ય ન જોખમાય અને તેમનું ભણતર ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરી આપી છે. શિક્ષીકા અંજનાબા ઝાલા ભૂલકાઓ શિક્ષણ આપી રહ્યા છે.
અહીં ભણતા બાળકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત દરેક બાળકને તેમની ઉંમર પ્રમાણે સ્કુલ બેગ અને પુસ્તકો પણ આપવામાં આવ્યા છે. તેમજ દરરોજ સવારે ફ્રુટ અને સાંજે સુકો નાસ્તો પણ આપવામાં આવે છે. આ ઉપરાંત દર પંદર દિવસે આ બાળકોનો કોરોના ટેસ્ટ પણ કરાય છે અને તે દિવસે તેમને પાર્ટી પણ આપવામાં આવે છે. હજુ સુધી કોઇ પણ બાળક અહીં કોરોના સંક્રમિત થયું નથી, અને તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.