મૃતક અને ડિસ્ચાર્જ દર્દીના નામે ઈન્જેકશન મેળવ્યાનું ખુલતા પ્રાંત અધિકારીએ ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો: 22 ઈન્જેકશન મળ્યા
જામનગરમાં ખંભાળિયા હાઈ-વે પર એરપોર્ટ નજીક આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં મૃતક અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના નામે રેમડેસિવિર ઈન્જેક્શન્સ મંગાતા હોવાનો ભાંડાફોડ થતાં સનસનાટી મચી જવા પામી છે. ગુરૂવારે પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરે ઓચિંતું જ ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું તો ત્યાંથી 22 રેમડેસિવિર ઈન્જેક્શન નો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે નિયમાનુસાર કાર્યવાહી કરવા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી છે.
રેમડેસિવિર ઈન્જેક્શન્સના આ કૌભાંડનો સિલસિલો ક્યારે અને ક્યાંથી શરૂ થયો અને ક્યાં અટક્યો તે પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરના જ શબ્દોમાં વાંચો…સ્વામિનારાયણ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં રેન્ડમ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રેકોર્ડમાં એવું જાણવા મળ્યું હતું કે, એક દર્દીનું મૃત્યુ થઈ ગયું છે અને તેમનું નામ રજૂ કરી આ મૃતક દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શનની ઇન્ડેન્ટ કરવામાં આવી હતી. આથી અમે માન્યું કે, એક દિવસ ભૂલ થઈ હોઈ શકે. પરંતુ આ બાબત એટલે કે ઇન્જેક્શનની માંગણી સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહેતા ગુરૂવારે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખરાબ વસ્તુ એ છે કે એવા ઘણા દર્દીઓ છે કે જેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે એમના નામે પણ હજુ ઇન્ડેન્ટ માગવામાં આવે છે. આટલું જ નહીં, ફેક્સ તપાસમાં જાણવા મળ્યું છે કે, હોસ્પિટલ પાસે 22 રેમડેસિવિર ઇન્જેક્શનો નો જથ્થો પડયો છે. રેમડેસિવિર ઇન્જેક્શન એવી વસ્તુ છે કે, જે જરૂરિયાતવાળા દર્દીઓને મળી રહે તો તેની મદદ કરી શકાય. આ બાબતે જામનગર મનપા હોસ્પિટલ સામે નિયમ મુજબ પગલા લેવા સૂચના આપવામાં આવી છે.
કલેક્ટર તંત્રના રિપોર્ટ બાદ કાર્યવાહી કરીશું: ડીવાયએસપી
રેમડેસિવિર ઈન્જેક્શનના કૌભાંડ મામલે પોલીસને હજુ સુધી કોઈ સૂચના નથી કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આ મામલે કલેક્ટર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. જેના રિપોર્ટ બાદ અમે આગળ જે કાર્યવાહી થતી હશે તે કરીશું.
રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવાની આ છે પ્રોસેસ
જામનગરમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો દરેકને મળી રહે તે માટે કલેકટરની સૂચનાથી એક કમિટી બનાવવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં કાર્યરત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાંથી દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે તે અંગેની ખાતરી આ કમિટી દ્વારા કરવામાં આવે છે, ત્યારબાદ કમિટી દરેક ખાનગી હોસ્પિટલો પાસેથી જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા માટેના ઈન્ડેન્ટ મંગાવવામાં આવે છે અને તેના આધારે જેને વધુ જરૂરિયાત હોય તે હોસ્પિટલને રેમડેસિવિર ઇન્જેક્શનની આ કમિટી દ્વારા શક્ય હોય તેટલી ઝડપથી ફાળવણી કરવામાં આવે છે.
હોસ્પિટલે ખોટી બાહેંધરી આપી, તબીબે ઝીરો જથ્થો દેખાડ્યો
દરેક એમ.ડી. ફિઝિશિયન પાસેથી દરરોજ બાહેંધરી લેવામાં આવે છે કે, તમારી પાસે રેમડેસિવિર ઇન્જેક્શનોનો કેટલો જથ્થો પડયો છે, પરંતુ આ હોસ્પિટલના ડોક્ટરે ઝીરો જથ્થો જાહેર કર્યો છે. તદુપરાંત દર્દી મુજબ એ પણ બાહેંધરી લેવામાં આવે છે કે અમારી હોસ્પિટલમાં દાખલ થયેલો દાખલ થયેલા દર્દીને મેં ખુદ જોયું છે અને તેને રેમડેસિવિરની જરૂર છે તેને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યો નથી અને તેનું મૃત્યુ પણ થયું નથી.આમ છતાં સ્વામિનારાયણ હોસ્પિટલમાં વિસ્તાર થયેલા અને મૃત્યુ પામેલા દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન માગવામાં આવતા તપાસ કરવામાં આવતાં 22 ઇન્જેક્શનનો જથ્થો પડયો હોવાનું ખૂલ્યું છે. હોસ્પિટલનું એમ.ઓ.યુ મહાનગરપાલિકા સાથે છે.