રાજકોટ જિલ્લામાં 1639 કીટની મંજુરી અરજી માટે ઈ-કુટિર પોર્ટલ બે મહિના ખુલ્લી રહેશે
રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા છેવાડાના માનવીને પણ આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં માનવ કલ્યાણ યોજના દ્રારા છેવાડાના નાગરીકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ યોજનાનો લાભ ઘરે- ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું.www.e-kutir.gujarat.gov.in વેબસાઈટ પરથી અરજદારો આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે. રાજકોટ જિલ્લામા ગત વર્ષ ઈ-કુટિર પોર્ટલ પર 18,155 અરજીઓ મળી હતી, જેમાંથી 12,450 અરજીઓ મંજૂર થઈ, પારદર્શક ડ્રો કર્યા બાદ 1639 કીટ મંજૂર કરવામાં આવી છે.
આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યકિતઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સ્વરોજગાર યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. જેમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવા 28 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા, સમાજના નબળા વર્ગોના લોકોની આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી, પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહી વેચનાર, મોબાઇલ રીપેરીંગ,કડીયા કામ, ઘરઘંટી,પ્લમ્બર કામ, ઇલેક્ટ્રોનિક કામ,અથાણા બનાવટ, પાપડ બનાવટ, ભરતકામ, માટીકામ, ટેલરિંગ, મોબાઈલ રિપેરિંગ,કાગળનો કપ અને વાનગી બનાવવી (સખીમંડળ), ફ્લોર મિલ, માછલી વેચનાર, દિવેટ બનાવવું વગેરે જેવા કુલ-28 વ્યવસાય(ટ્રેડ)માં રૂ.25,000/-ની કિંમત સુધી મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે.
અરજી કોણ કરી શકે છે?
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના રહેવાસી, 16 થી 60 વર્ષની ઉંમર, ગરીબી રેખા નીચે (બીપીએલ) કાર્ડ, વ્યાવસાયિક તાલીમ પ્રમાણપત્ર અને આવકનુ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ હોવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવું ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.150000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરી અરજી કરી શકાશે.
ઓનલાઇન અરજી, ડ્રોની પ્રક્રિયા સરળ અને પારદર્શી
આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન- ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા માટે ઇ-કુટિર પોર્ટલ પર અરજદારો આગામી બે મહિના સુધી ઓનલાઈન અરજી કરી શકશે. એકવાર અરજી કરનાર અરજદારોને આ વર્ષ ફરી અરજી કરવાની રહેશે નહીં. પોર્ટલ પર વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી અરજદારને વારંવાર અરજી કરવાના સમયનો બચાવ થાય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી પામેલ અરજદારોને જ વિનામુલ્યે સાધન/ઓજાર (ટૂલકીટ) આપવામાં આવે છે. જેના પરિણામે અરજીઓની પસંદગી માટે ડ્રોની પ્રક્રિયા પારદર્શી અને ખુબ જ સરળ બની છે.