જામનગરના નારણપર ગામે બે વર્ષ પહેલાં સાધુને વાડીએ આશરો આપી ભાનુશાળી પરિવારે કરેલી સેવા ચાકરીના ફળ સ્વરૂપે પરિવારની યુવાન પુત્રીને વસીકરણ કરી ભગાડી ગયાનું પ્રકાશમાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રના ભાનુશાળી પરિવારમાં ચકચાર જાગી છે. ભગવાધારી માનવ તસ્કર કરતો હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે. લંપટ સાધુએ યુવતી સાથે ચારેક દિવસ પહેલાં ભેદી રીતે લાપતા બનતા જામનગર પોલીસ અને ભાનુશાળી પરિવાર દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
લંપટ સાધુએ વસીકરણ કરી યુવતીને ફસાવી ભગાડી ગયાની ચર્ચા: પોલીસ
દ્વારા તપાસ: ભાનુશાળી પરિવારની યુવતીને ભગવાધારી ઉઠાવી જતા ચક્ચાર
બે વર્ષ દરમિયાન જે પરિવારની પનાહમાં રહી જેનું ખાધુ તે પરિવાર માટે આફત બનેલા સાધુ પરિવારની યુવતી સાથે નારણપર છોડી ગત તા.19 જુને ભાગી જતા ધીરજભાઇ મનજીભાઇ ચાંદ્રાએ જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ કરાવતા હેડ કોન્સ્ટેબલ પી.એ.ખાણધરે તપાસ શરૂ કરી છે.
ભેદી રીતે ગુમ થયેલા સાધુ રંગે યુવતી રંગાઇ ગયા બાદ યુવતી જ લંપટ સાધુ સાથે જતી રહ્યાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે ત્યારે શૈતાન બનેલા સાધુએ યુવતીને અમદાવાદ લઇ જઇ વેચી નાખ્યાના પણ પરિવાર દ્વારા આક્ષેપ થયાનું જાણવા મળી છે.
છેલ્લા બે વર્ષથી ભાનુશાળી પરિવારના પરિચયમાં આવેલા સાધુને વાડીએ આશરો આપવાની સાથે જમવા સહિતની સગવડ પુરી પાડવામાં આવતી હતી પરંતુ યુવાન સાધુએ પરિવારની જ યુવતીને ભગાડી ભાનુશાળી પરિવારને શરમજનક સ્થિતીમાં મુકી દીધા છે. પોતાની પુત્રીની ભાળ મેળવી હેમખેમ પરત લાવવા માટે નારણપરના ભાનુશાળી પરિવાર ટેકનોલોજીની મદદથી પોતાની પુત્રીના ફોટા અને ગુમ નોંધ વાયરલ કરી છે. પરંતુ હજી સુધી સાધુનો કે યુવતીની ભાળ મળી નથી.
ભાનુશાળી પરિવારની સ્વરૂપવાન પુત્રીને ફસાવી પલાયાન થયેલા લંપટ સાધુ કે યુવતી મળી આવ્યા બાદ જ શા માટે ગુમ થયા હતા. નારણપરથી જતા રહ્યા બાદ કયાં આશરો મેળવ્યો, બંને વચ્ચે પ્રેમ સંબંધ છે કે યુવતીને વશીકરણ કરી ઉઠાવી ગયો છે સહિતના મુદે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ પોતાની પુત્રીને પરત લાવવા માટે ધીરજભાઇ મનજીભાઇ ચાંદ્રા દ્વારા પોલીસમાં ગુમ નોંધ કરાવી છે. અને પ્રવિણભાઇ ચાંદ્રા દ્વારા વોટસએપની મદદથી પોતાની પુત્રીની તસવીર વાયરલ કરી ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
યુવતીને ભગાડી જવા પાછળ રેકેટ હોવાની શંકા
નારણપરના ભાનુશાળી પરિવારને ત્યાં જ રહેતા સાધુ 19 વર્ષની યુવતીને ભગાડી ગયાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર પ્રકરણ પાછળ મોટુ રેકેટ હોવાની પરિવારને શંકા છે. યુવતીને અમદાવાદ લઇ જઇ વિદેશમાં વેચી નાખ્યાની પરિવાર દ્વારા શંકા વ્યક્ત થતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.
જે રીતે અચાનક જ યુવતી અને લંપટ સાધુ લાપતા થયા છે ત્યારે પરિવાર દ્વારા તેમની પુત્રીને અમદાવાદ લઈ જઈ કોઈ વિદેશીને વહેંચી મારવામાં આવી હોય તેવી શંકા વ્યકત કરાઈ રહી છે. હાલ આ યુવતીને વિદેશ મોકલી દેવામાં આવી હોય તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે. સમગ્ર મામલામાં જામનગર પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. નોંધનીય બાબત છે કે સમગ્ર કારસ્તાન પાછળ કોઈ રેકેટ જવાબદાર હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
યુવતીને વશીકરણ કરાયાનો આક્ષેપ
નારણપરના ભાનુશાળી પરિવારની યુવાન પુત્રીને ભગાડી જનાર સાધુ દ્વારા વશીકરણ કરી પોતાની સાથે લઇ જવામાં આવી હોવાની પરિવાર દ્વારા શંકા વ્યક્ત થઇ રહી છે.
યુવતી અને સાધુ મળી આવ્યા બાદ ભેદી રીતે ગુમ થવા પાછળ સત્ય શું તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. પોલીસને પુત્રીની ગુમ થયાની અરજી કરનાર પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે દોરા-ધાગા વડે પુત્રી અને પરિવાર બંનેનું વસીકરણ કરી ભગાડી ગયાની ચર્ચાએ જોર પકડયું છે.