તુનક તુનક તુન, બોલો તારા રારારા…
પ્રખ્યાત સિંગર પોતાના શોના બહાને લોકોને વિદેશ લઈ જતા અને તે લોકો ત્યાં જ રોકાઈ જતા : કબૂતરબાજીના આ કેસમાં સિંગરને 2 વર્ષની સજા ફટકારાઈ
’તુનક તુનક તુન, બોલો તારા રારારા…ફેમ દિલેર મહેંદીને કોર્ટે મહેંદી ચોપડી દીધી છે. માનવ તસ્કરીના કેસમાં પ્રખ્યાત સિંગર એવા દિલેર મહેંદીને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે.માનવ તસ્કરીના કેસમાં પટિયાલા સેશન્સ કોર્ટે બે વર્ષની સજા ફટકારી તે પછી પંજાબી સિંગર દલેર મહેંદીની પોલીસે ધરપકડ કરી છે. દલેર મહેંદી પર કબૂતરબાજી કરીને લોકોને વિદેશમાં ગેરકાયદે ઘૂસાડવાનો આરોપ લાગ્યો હતો. અગાઉ નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, પરંતુ દલેર મહેંદીએ સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવ્યા હતા.બોલિવૂડ અને પંજાબી સિંગર દલેર મહેંદી સામે 2003માં માનવ તસ્કરીનો કેસ દાખલ થયો હતો. ગાયક સામે 30થી વધુ માનવ તસ્કરીનો આરોપ છે. પોતાના શો મારફતે ભારતમાંથી લોકોને વિદેશ લઈ જતા હતા અને પછી એ લોકો ત્યાં જ રોકાઈ જતા હતા.
મેજિસ્ટ્રેટ કોર્ટે 2018માં આ મામલે 2 વર્ષની જેલની સજા ફટકારી હતી.ુકાદાને દલેર મહેંદીએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે નિયમોને ધ્યાનમાં રાખીને ત્રણ વર્ષથી ઓછી સજા હોવાથી જામીન આપી દીધા હતા. કેસ છેલ્લાં ચાર વર્ષથી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. આખરે કોર્ટે ચુકાદો આપ્યો હતો અને દલેર મહેંદીને માનવ તસ્કરીમાં બે વર્ષથી જેલની સજા સંભળાવી હતી. સજા અપાયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પંજાબી સિંગરને પટિયાલાની સેન્ટ્રલ જેલમાં મોકલાશે. ત્યાં દલેર મહેંદી બે વર્ષની સજા પૂરી કરશે. આ જ જેલમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુ પણ જેલની સજા કાપી રહ્યા છે. કબૂતરબાજીના આરોપમાં સિંગર દલેર મહેંદીના ભાઈ શમશેર સિંહ પણ આરોપી છે. 2003માં સૌથી પહેલો કેસ દાખલ થયો હતો. બખ્તશીશ સિંહ નામના શખ્સે બંને ભાઈઓ સામે કેસ દાખલ કરાવ્યો હતો.