લંડનમાં પંચદિનાત્મક હિન્દુ લાઈફ સ્ટાઈલ સેમિનારમાં એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીનું પ્રેરક પ્રવચન
અમેરીકા અને કેનેડાની સત્સંગ યાત્રા પૂર્ણ કરીને લંડન પધારેલા સ્વામીના સાનિધ્યમાં પંચદિનાત્મક હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર ચાલી રહૃાો છે. હિંદુ સંસ્કૃતિના ગૌરવસમા ગ્રંથરાજ શ્રીમદ્ ભાગવતજીને કેન્દ્રમાં રાખીને સ્વામી સત્સંગનો લાભ આપી રહ્યાં છે.
ભગવાન અને ભાગવતજીનું પૂજન કરીને વ્યાસાસને બિરાજેલા સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું. સ્વામીએ જણાવ્યું હતું કે, ‘માનવ જીવન મૂલ્યવાન છે. જીવનને સ્મરણ-ભજન, સેવા, સદાચાર અને સત્સંગથી શણગારવું જોઈએ.’ સ્વામીએ ભાગવતજીના સંદેશને સમજાવતા કહયુ હતું કે, ‘મૂર્તિમાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય છે. આપણી આંખોની મર્યાદિૃત શક્તિને લીધે આપણને મૂર્તિમાં ભગવાન ન જણાય તો અનુભવી મહાપુરુષોનો સંગ કરવો જોઈએ. આ પૃથ્વી પર સાક્ષાત્કારી સંત અવશ્ય વિચરતા હોય છે. એમનો યોગ અને ઓળખાણ થાય તો મનુષ્ય જીવન સાર્થક થઈ જાય.’ યુવાનોને ટકોર કરતાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, ‘દરેક યુવાન શરીર, પ્રાણ અને મનથી તંદુરસ્ત હોવો જોઈએ.’ ‘જેમ મંદિરમાં જઈને માળા કરનારો યુવાન અમને ગમે છે તેમ મેદાનમાં જઈને રમતો રમનારો યુવાન પણ અમને ગમે છે.’ ‘જીવનમાં શારીરિક સ્વાસ્થ્યનું જેટલું મહત્વ છે, તેટલું જ મહત્ત્વ પ્રાણના નિયમનનું છે. પ્રાણનું નિયમન એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની નિયમિતતા. પ્રાણાયામ દ્વારા આ પ્રક્રિયાને નિયમિત કરી શકાય છે. યુવાનોએ દરરોજ પ્રાણાયામ જેવી હળવી યોગિક ક્રિયાઓ કરવી જોઈએ.’
સ્વામીના સત્સંગનો લાભ લેવા માટે લંડનના વિવિધ વિસ્તારમાંથી ભક્તજનો પધારી રહ્યાં છે. આ સેમિનારમાં પ.ભ. શીવજીભાઈ ગોવિંદૃભાઈ કેરાઈ મુખ્ય યજમાન તરીકે લાભ લઈ રહ્યાં છે. તદુપરાંત લંડન નિવાસી અને હિંદુધર્મ અને સમાજની સેવા કરનારા અ.નિ. હરિભાઈ મૂળજીભાઈ હાલાઈ, કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન-હેરોના અગ્રણી અ.નિ. ધનજીભાઈ શામજીભાઈ પીંડોરીયા અને ધર્મ તથા સમાજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ કરનાર અ.નિ. ભીમજીભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી (નાઈરોબી) ની પવિત્ર સ્મૃતિ જોડાયેલી છે.
કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – ઈસ્ટ લંડન તથા એસજીવીપી ગુરુકુલ પરિવાર – લંડનના સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સેમિનારની વિવિધ સેવા પ્રવૃત્તિઓ ઉપાડી લીધી છે.