અબતકે ઈશ્વરની કૃપાથી અને એમની જ ઈચ્છા અનુસાર વિશ્ર્વશાંતિ અને વિશ્વભરની માનવજાતના સુખ-શાંતિ અર્થે યોજેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહના મંગલોત્સવની હવે આજે પૂર્ણાહુતિ થવાની છે. આ સાત મૂલ્યવાન દિવસોમાં આપણે શું શું મેળવ્યું અને શ્રી કૃષ્ણ તથા ભાગવત ભગવાનની સમીપે આપણે આપણા હૃદય, મન, ચિત્ત તેમજ ચિંતન-મનનને કેટલા બદલી શકયા એનો જાયજો લેવાની આજે રૂડી ઘડી છે. આ શુભ અવસરે આપણે બધા ભેગા મળીને શ્રી કૃષ્ણને તથા ભાગવત ભગવાનને બે હાથ જોડીને અને નત મસ્તકે પ્રાર્થના કરીએ કે આપણે આ કથાના માધ્યમ દ્વારા જે કાંઈ ‘લાભ-શુભ’ પામ્યા છીએ તેને જીવનમાં કદાપિ નહિ વિસ્મરવાની પ્રેરણા આપે, અને આપણે બધા સાથે મળીને એક જ ઈશ્વરનાં સર્જનો તરીકે ગાતા રહીએ

કે, ‘ઈન્સાન કા ઈન્સાનસે હો ભાઈચારા,

યહી પયગામ હમારા !’

ભાગવત ભગવાનની કથાનું શ્રવણ ભલે સાત દિવસનું હોય, પણ એનું વાંગ્મય સ્મરણ અને આચરણ તો નિરંતર અને અખંડ-અવિચળ રહેશે અને તે સમગ્ર પરિવારનું તેમજ આલોક-પરલોકનું દિવ્ય ભાથુ બની રહેશે એવું વરદાન અમે માગીશું !

દુનિયામાં અનેક જાતજાતના માણસો હોય છે, એટલું જ નહિ પણ એક જ માણસમા અનેક જાતભાત હોય છે… એના પ્રતિભાવો અલગ અલગ હોય છે. કોઈવાર એક પળની ઉગ્રતા અને ક્રોધ માનવીના જીવનને બરબાદ કરી નાખે છે. કુવિચારની બાબતમાં પણ આવા વંટોળિયા ને ઝંઝાવાદ અનુભવાતા હોય છે!

આપણા માનવ સમાજની આ અધોગતિ લેખાય છે.

આપણા દેશની અને આપણા માનવસમાજ દુર્દશા આપણે છાસવારે નિહાળીએ છીએ.

આપણે કોરોના વાયરસનો અણધાર્યો ભોગ બન્યા બાદ આપણો દેશ અને આપણો સમાજ આ અગાઉ કયારેય ન હતો એટલો હેરાન પરેશાન છે. લોકો હડધૂત પણ થાય છે. અને હેવાન પણ બનતા રહે છે.

કેટલાક જૂનવાણી બુઝર્ગો તો આજની અતિ વસમી જણાતી પરિસ્થિતિને હળાહળ ‘કળિયુગ’ની ઉપમા આપે છે. અને કાળમુખા પ્રલયકાળની ગંધનો ખ્યાલ પામે છે !

આપણો દેશ એના મોટાભાગના અવળચંડા રાજકારણીઓને કારણે સામૂહિક નેતાગીરીના અભાવે કલ્પનાતીત પરેશાનીઓનો ભોગ બની રહ્યો છે. આવડતનો અભાવ, જીદી વલણ, નિરંકુશ અને એકહથ્થુ શાસન, આપખુદ શાહી અને એકાધિકારવાદ આ દેશની પ્રજાને અકલ્પનીય દોડાદોડ અને અકુદરતી ભીંસમાં મૂકતા હોવાની બૂમરાણ ઉઠતી રહે છે.

વડાપ્રધાન અને તેમના સલાહકારો આપણા દેશની પ્રજા માટે કાંઈને કાંઈ વધુ સારૂં કરી દેવા તનતોડ પ્રયત્નો કરે છે. અને વિવિધ તરકીબો અજમાવે છે. એનો ભાગ્યે જ કોઈ ઈન્કાર કરી શકે; પરંતુ હાડમારીઓનો આભ ફાટયું હોવાની ભૂલ ભુલામણીઓ ઓછી થતી નથી!

વિપક્ષોને સાચા અર્થમાં એક કરી શકાતા નથી. ઉલ્ટું, વધુ વિખવાદના ઘાટ ઘડાતા રહ્યા છે.

આપણા દેશે હવે પછી મોટી આર્થિક સંકળામણનો, બેંકીંગ ગતિવિધિઓમાં અટપટી ભૂલભૂલામણીઓનો અને આમઆદમીઓમા આર્થિક લેતીદેતીઓનો સામનો કરવો પડે તેવી હાલત પણ છે.

આમ, આપણા દેશની વર્તમાન સ્થિતિ મહાન ગણાયેલા નિર્માતા-દિગ્દર્શક વ્હી. શાંતારામની ફિલ્મનાએક ગીત જેવી છે; ‘નિર્બલસે લડાઈ બલવાન કી, યે કહાની હૈ દિયેકી ઔર તુફાનકી..’

આપણે ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન, એ આપણા દેશની સામે જેઘેરા પડકારો છે તેને પહોચી વળવાનં તપભીનું અને દિવ્યોત્તમ બળ આપશે અને નબળા પડેલા કોરોનાને દેશવટો આપવાની તથા વડાપ્રધાન અને તેમના તમામ સાથી-સંગાથીઓને તમામ મોરચે વિજયી બનાવવાનું સામર્થ્ય આપશે એવી આખા દેશ વતી આપણે બધા પ્રાર્થના કરીએ એ આજના સમયનો તકાજો છે. ભાગવત સપ્તાહના આયોજનને રાષ્ટ્રીય ધ્યેયનું આયોજન ગણીને તેમાં જોડાયેલા તમામ દેશવાસીઓનું આપણે શ્રેય ઈચ્છીએ !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.