રાજકોટના પાંચ દિવસીય લોકમેળાના આરંભે જ સૌરાષ્ટ્રભરના લોકો ઉમટયા: મંદી, મોંઘવારી, માંદગી સહિતની મુસિબત વિસરી લોકો તહેવારનો આનંદ ઉઠાવવામાં મસ્ત
રંગીલા રાજકોટનો જગમશરૂર લોકમેળાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેસકોર્સ મેદાનમાં ખુલ્લો મુકયો હતો. આ સાથેજ લોકમેળો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ‘મલ્હાર’ લોકમેળામાં પરપ્રાંતી આવેલા અનેક ધર્ંધાીઓ વરસાદ સારો થયો હોવાથી લોકમેળામાં વેપાર ધંધો સારો થવાની આશા વ્યકત કરી હતી. પ્રથમ દિવસે જ મલ્હાર લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
મહત્વનું છે કે, લોકમેળામાં આ વખતે ખાસ કરીને મોટી યાંત્રિક રાઈડ્સની નવા નિયમોને આધિન સવિશેષ ચકાસણી કરવામાં આવી હતી. યાંત્રિક રાઈડ્સના ચાલકોએ એપ્રુવડ ડિઝાઈન તંત્ર સમક્ષ જમા કરાવી દેતા રાઈડ્સના ફિટિંગ પૂર્ણ તથાપ્રતિ વર્ષની જેમ એક પછી એક રાઈડ ચેક કરી ફીટનેસ સર્ટિફિકેટ તંત્ર દ્વારા ઈસ્યુ કરી દેવામાં આવ્યા હતા. આ મલ્હાર લોકમેળામાં યાંત્રિક રાઈડના કુલ ૪૪ પ્લોટમાં ૬૮ રાઈડ્સ મુકાયેલી છે તે પૈકી ૬૪ ચેક કરી ૩૩ રાઈડના ફિટનેસ સર્ટી ઈશ્યુ કરી દેવાયા છે.
મલ્હાર લોકમેળામાં ૩૩૮ જેટલા સ્ટોલ્સ, યાંત્રિક રાઈડ્સ તા પ્રદર્શની અને જાગૃતિ વિષયક સ્ટોલ્સ છે. સાયબર ક્રાઈમ સો જનજાગૃતિ ફેલાવતો સ્ટોલ ઉપરાંત ફાયર, સેનાના જવાનોની કામગીરીને લગતા સ્ટોલ્સ તથા હાઠ વણાટની ચીજ-વસ્તુઓ વેચતા હેન્ડીક્રાફટનો સ્ટોલ્સ પણ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકમેળાનો શુભારંભ કરાવતાં ઉત્સાહજનક સ્વરે જણાવ્યું હતું કે, સંસ્કૃતિ, પરંપરા, ઉત્સાહ અને આધુનિકતાનો સુભગ સમન્વય રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ઉજવાતા લોકમેળાઓમાં સુપેરે જોવા મળે છે. આ બાબતને તેમણે રાજયના નાગરિકોની ઉત્સાહપ્રેરક મનોસ્થિતિનું પ્રતિબિંબ ગણાવી હતી.
રાજકોટ ખાતે યોજાતા લોકમેળાનો ટૂંકો ઇતિહાસ રજૂ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસી તરીકેની પોતાની આગવી ઓળખ સાબિત કરી આપી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ મેળા સાથેના પોતાના સંસ્મરણો ભાવુક સ્વરે વાગોળ્યા વગર રહી નહોતા શકયા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મેળો માણવા આવેલા નાગરિકોને પ્રતિવર્ષ રાજકોટના મેળામાં જોવા મળતી સામાજિક સમરસતા આ વર્ષે પણ જાળવી રાખવા અને મેળામાં સ્વચ્છતા થકી સ્વસ્થતા જાળવવા પર ભાર મુકયો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, માહિતી વિભાગ વગેરે સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીનો લાઇવ સ્કેચ બનાવનાર ઉભરતા કલાકાર જયદીપ બારડની કલાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહર્ષ સરાહી હતી. મુખ્યમંત્રીએ મલ્હાર લોકમેળાનો રીબિન કાપી વિધિવત રીતે શુભારંભ કરાવ્યો ત્યારે ઉપસ્થિત મેળાપ્રેમી નાગરિકો હર્ષની ચિચિયારીઓથી ઝૂમી ઉઠયા હતા. ઉદઘાટન સ્થળથી સ્ટેજ સુધીના માર્ગ પર ઢોલ-નગારા-કલાત્મક છત્રી- રાસ લેતી બાળાઓ- શહેર શ્રેષ્ઠીઓ વગેરેએ હૈયાની ઉલટથી મુખ્યમંત્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરાયું હતું. મેયર બીનાબેન આચાર્યએ પ્રાસંગિક પ્રવચનમાં લોકમેળાનો ઇતિહાસ તથા રાજકોટ મહાનગર પાલિકાના વિકાસકાર્યોનો ટુંકો ચિતાર દર્શાવ્યો હતો. લોકમેળા અંગેની પુસ્તિકાનું મુખ્યમંત્રી તથા મહાનુભાવોએ આ પ્રસંગે વિમોચન કર્યું હતું. કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના સ્વાગત પ્રવચનથી મલ્હાર લોક મેળાનો શુભારંભ થયા બાદ મુખ્યમંત્રીએ મુખ્ય સ્ટેજ પરથી રજૂ થયેલ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રસપૂર્વક નિહાળી હતી.