- બમ બમ ભોલે…
- 45 દિવસમાં 66 કરોડથી વધુ ભક્તોના શાહી સ્નાન બાદ આજે મહાકુંભ મેળાની પૂર્ણાહુતી
- સંગમ ખાતે શ્રધ્ધાળુઓની ભારે ભીડ, ભક્તો પર પુષ્પવર્ષા મુખ્યમંત્રી યોગી કંટ્રોલ રૂમમાંથી વ્યવસ્થા પર સતત નજર રાખી રહ્યા છે
- અત્યાર સુધીમાં દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ મહાકુંભમાં સ્નાન કર્યું, 15 હજાર સફાઇ કર્મીઓ રેકોર્ડ સ્થપાયો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાનને લઇ મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સાથે જ આ મહાકુંભનું સમાપન થશે. લાખો લોકો હાલ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જે લોકો પહોંચી ગયા છે તેમણે મંગળવારની રાત્રે 12 વાગ્યા બાદ સ્નાનનો લાભ લઇ લીધો હતો. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રયાગરાજને નો-વિહિકલ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને પગલે કોઇ વાહનને મેળાના વિસ્તારમાં પ્રવેશવા નહીં દેવાય. બહાર જ તેને પાર્ક કરી દેવા પડશે. આ નિર્ણય મહાકુંભના સમાપન સુધી લાગુ રહેશે. અંતિમ દિવસ પૂર્વે બે કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે મહાકુંભમાં ડુબકી લગાવનારાની કુલ સંખ્યા હવે 66 કરોડને પાર પહોંચી ગઇ છે. સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા 193 દેશોની વસ્તી કરતા પણ વધુ છે. મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં ફક્ત ભારત અને ચીનની વસ્તી વધુ છે. યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં આવ્યા છે.મહાકુંભમાં છેલ્લા સ્નાનને ધ્યાનમાં રાખીને 25 ફેબ્રુઆરીની સાંજથી પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેળાની અંદર પણ વાહનો ચાલી રહ્યા નથી. રાત્રિથી જ સંગમ તરફ જતા રસ્તાઓ પર ભારે ભીડ છે. સંગમ ઘાટ પર સ્નાન કર્યા પછી ભક્તોને ઘાટ ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી ત્યાં ભીડ ન થાય. મહાશિવરાત્રી પર ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટીતંત્રે ભક્તોની સુવિધા માટે સુરક્ષા, આશ્રય, સરળ ટિકિટ વિતરણ અને મોટી સંખ્યામાં ટ્રેનોની વ્યવસ્થા કરી છે. પ્રયાગરાજના તમામ સ્ટેશનો પર રેલ્વે વાણિજ્યિક વિભાગના 1500થી વધુ કર્મચારીઓ અને રેલ્વે સુરક્ષા દળના 3000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક તરફ વીઆઈપી પ્રોટોકોલ રદ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ સ્નાન માટે ત્રણ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ જે પણ ભક્તો કોઈપણ ઝોનમાં પહોંચે છે, તેમને ત્યાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવશે. મહાકુંભમાં સાફ સફાઇ માટે 15 હજાર સેનિટેશન વર્કર્સ તૈનાત કરાયા હતા, એક જ સ્થળે એક સાથે 15 હજાર લોકો દ્વારા સાફસફાઇ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે જેની ગિનિસ વર્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી શકે છે અને પરીણામ 27મી ફેબુ્રઆરીએ જાહેર કરાશે. ગિનિસ સાથે જોડાયેલા રિશિ નાથે કહ્યું હતું કે અમે ભાગ લેનારા તમામ વર્કર્સને કાંડે એક પટ્ટી બાંધી હતી, જેમાં યુનિક ક્યૂઆર કોડ પણ છે. તેમની કામગીરીની અમે નોંધ લીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મક્કા મદિના હજ માટે દર વર્ષે 1.4 કરોડ લોકો જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો જાય છે. જ્યારે બીજી તરફ માત્ર અયોધ્યામાં જ 52 દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરાયું. મહાકુંભમાં પહોંચનારાઓનો આંકડો તો કરોડોમાં છે જ સાથે અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ પહોંચીને અનોખો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
પ્રયાગરાજ પછી, આગામી કુંભ 2027માં મહારાષ્ટ્રના નાસિકમાં યોજાશે
પ્રયાગરાજ પછી, આગામી કુંભ 2027 માં મહારાષ્ટ્રના નાસિકમાં યોજાશે. આ મેળો ત્ર્યંબકેશ્વરમાં આયોજિત થશે. આ પછી, 2028 માં ઉજ્જૈનના સિંહસ્થમાં પૂર્ણ કુંભનું આયોજન કરવામાં આવશે. વર્ષ 2030 માં પ્રયાગરાજમાં અર્ધ કુંભનું આયોજન કરવામાં આવશે.