સંતાનોને ભણવા મોકલવા ઇચ્છતા વાલીઓ માટે “સહમતી પત્ર” ફરજિયાત: ઘરબેઠા ઓનલાઈન પણ ભણી શકાશે
કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેકિડલ અને પેરા મેડિકલના વર્ગો શરૂ થશે
ચીનમાંથી શરૂ થયેલા કોરોનાના રોગચાળાએ આખા વિશ્વને ભરડો લઈને હાહાકાર મચાવી દીધો છે ત્યારે ભારતમાં 22મી માર્ચના જનતા કરફ્યુ અને ત્યારબાદ શરૂ થયેલા લોકડાઉનના કારણે સમગ્ર રાજ્યની બંધ રહેલી શાળા-કોલેજો દિવાળી વેકેશન બાદ 23મી નવેમ્બરથી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલો ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક અને કોલેજો શરૂ થશે. જો કે શાળાએ જવું મરજિયાત રહેશે. વિદ્યાર્થીને ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ મેળવવું હોય તો પણ તેઓ મેળવી શકશે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજોમાં ફરજિયાત થર્મલગનથી વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ અને સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવાની રહેશે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરા મેડિકલના વર્ગો શરૂ થશે. તેમજ અન્ડર ગ્રેજ્યુએટમાં સ્નાતક કક્ષા માટે છેલ્લા વર્ષના કલાસ શરૂ કરવામાં આવશે.
શાળા-કોલેજોએ એસઓપીની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે. વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછુ છ ફૂટનું અંતર રાખવું પડશે. આ ઉપરાંત સામૂહિક પ્રાર્થના, મેદાન પરની રમત-ગમત કે અન્ય સામૂહિક પ્રવૃતિ ન કરવા સુચના અપાઈ છે. વાલીઓ તેમના પોતાના જ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે તેવી સુચના અપાઈ છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન સ્કૂલે આપવાનું રહેશે.
કોરોના સંક્રમણ પ્રમાણમાં કાબુમાં આવ્યાના માહોલ વચ્ચે વાલીઓમાં મિશ્ર પ્રતિસાદ વચ્ચે 23મી નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાના શિક્ષણ વિભાગે આદેશો જારી કર્યા છે. જો કે જે શાળાઓમાં શૈક્ષણિક કાર્યો શરૂ થાય ત્યાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો વિદ્યાર્થીઓ-કર્મચારીઓ માટે થર્મલગન સ્કેનર હેન્ડગ્લોઝ, સેનીટાઇઝર અને શાળામાં 50 ટકાથી ઓછી સંખ્યા અને ઓડ-ઈવન નંબરના આધારે વિદ્યાર્થીઓને એકાંતરે ભણવા જવાની શરતે શાળા કોલેજ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી છે.
દેશના શિક્ષણ જગતમાં ક્યારેય નથી પડયું એવા લાંબા સમયનું વેકેશન હવે પૂરું થવા જઈ રહ્યું છે. સારા કાર્ય બંધ રહેવાથી પ્રાથમિક અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ભારે અસરગ્રસ્ત થયું છે. જો કે ઘણી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ છે સમય સમયે પરીક્ષાઓ લેવામાં આવે છે અને માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડયું નથી પરંતુ શાળામાં ન જવાને કારણે દરેક વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાચું પડ્યું છે 23મી નવેમ્બરથી શરૂ થનારી શાળાઓ અંગે પણ શિક્ષણ ક્ષેત્ર, વાલી વર્ગ,અને શિક્ષણવિદોમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે ઘણા લોકોનું માનવું છે કે, કોરોના હજુ સંપૂર્ણપણે નાબૂદ થયું નથી ત્યાં શૈક્ષણિકકાર્ય શરૂ કરવું બાળ વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ માટે જોખમી છે. હવે તો હવામાન સંક્રમણ ફેલાવવાની વાત થાય છે ત્યારે 23મી નવેમ્બરથી શાળા શરૂ કરવી જાહેર હિતમાં નહીં હોય. બીજી તરફ સંતાનોના શિક્ષણ અંગે ચિતિંત વાલી વર્ગમાંથી સરકારના આ નિર્ણયને આવકાર મળ્યો છે. સાથે સાથે શાળા સંચાલકોને કોરોના વિરોધી વ્યવસ્થામાં તકેદારી રાખવાની હિમાયત કરવામાં આવે છે.
નવ મહિનાના લાંબા વેકેશન બાદ સરસ્વતી મંદિર જેવા શૈક્ષણિક સંકુલના દરવાજા ખુલવાના છે ત્યારે સમગ્ર રાજ્યમાં એક ઉત્સાહ સાથે રોમાંચનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.