વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ(દિવ્યાંગ) દિવસ મનાવવામાં આવે છે. વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓનાં માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગરૂકતા વધારવાનો છે.
ક્યારેક સમાજમાં થતી આવા વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે લઘુતા ગ્રંથિ રાખવામાં આવે છે જે એક સભ્ય સમાજ ધરાવતા દેશ માટે સારી બાબત ન કહેવાય વળી ક્યારેક તેમનાં પ્રત્યે વધુ પડતી દયા જતાવીને તેમને અકળાવી મારવામાં આવે છે. આવી બાબતો પર અંકુશ લગાવવા માટે આ દિવસ ખાસ મહત્ત્વ ધરાવે છે.
આજની યુવા પેઢી એક એવી પેઢી છે જેને ઊંઘ કરવી તો ખુબ ગમે છે પણ સમયસર સુઈ જવું નથી એવી જ રીતે તેનામાં આવડત અને ક્યાંક જ્ઞાન પણ હોય છે પરંતુ તેને સાચી દિશામાં ઇસ્તેમાલ કરવું કે કામ કરવું ગમતું નથી ત્યારે સ્ટીફન હોકિંગ, હેલન કેલર જેવા મહાનાયકો તેમજ ભારતીય મૂળનાં સુધા ચંદ્રન, એચ રામક્રિશ્ન, અરુણીમાં સિન્હા જેવી મહાન વ્યક્તિઓને કે જેમને પોતાના અંગોમાં કોઈને કોઈ તકલીફો હતી છતાં પણ તેઓએ સફળતાનાં શિખરોને સર કર્યા છે તેમના ઉદાહરણો લઈને પ્રેરણા મેળવવી જોઈએ અને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ તરીકે સંબોધીને ખુબ માન સન્માન આપ્યું છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો પણ દિવ્યાંગો માટે, તેમની મદદ કરવા વિવિધ યોજનાઓ ઘડી રહ્યા છે તેમને સન્માન આપી રહ્યા છે. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યું છે કે ઈશ્વર પણ આવા દિવ્યાંગ બાળકોને એવા જ લોકોના ઘરે મોકલતો હોય છે જે એમને સાચવવા માટે સક્ષમ હોય અને આવા બાળકોનાં ઘરમાં આવ્યા પછી એ પરિવારોની દરેક રીતે પ્રગતિ પણ થઇ હોય, કારણ કે આવા બાળકોનાં મૂંગા અને નિર્દોષ આશિર્વાદ પરિવારને સતત મળ્યા કરતા હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓ સમાજનો જ એક ભાગ છે માટે તેમને કાયમ સમાન અને સન્માનની દ્રષ્ટીએ જ જોવા જોઈએ તેમજ અન્યોની સામે વર્ણવવા જોઈએ અને માણસ જ્યારે સંપૂર્ણ સ્વસ્થ સને રુષ્ટપુષ્ટ જ હોય ત્યારે એણે પોતાના કાર્યો પ્રત્યે મનથી વિકલાંગ કે પાંગળું ન જ થવું જોઈએ.
હમ પૈરો સે નહિ, હોંસલો સે ઉડા કરતે હૈ ….