મેરેથોનમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગોની નોંધણી
૨૯ ડિસેમ્બરે રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી કલબ ઓફ મીડટાઉન દ્વારા આયોજિત રાજકોટ મેરેથોનમાં દોડ લગાવવા રાજકોટવાસીઓ આતૂર બન્યા છે. ત્યારે દોડવીરોની સાથે સાથે આ દોડમાં શહેરના ૯૫૮ દિવ્યાંગો પણ ઉત્સાહભેર ભાગ લઈ લોકોને ‘હમ કિસી સે કમ નહીં’નો ઉમદા મેસેજ આપશે. અત્યાર સુધી રાજકોટમાં ત્રણ વખત મેરેથોનનું આયોજન થયું છે અને તેમાં દિવ્યાંગોએ હોંશભેર ભાગ લીધો છે પરંતુ આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગો ભાગ લઈ રહ્યાં હોય તેવું રાજકોટ માં જ શક્ય છે, આ માટે દિવ્યાંગ દોડવીરોએ અત્યારી પ્રિકટસ પણ શરૂ કરી દીધી છે. રાજકોટ મેરેથોનની સાથે જ ‘દિવ્યાંગ દોડ’ યોજવામાં આવશે અને આ દોડને પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ફલેગ ઓફ આપવામાં આવશે.
આ વર્ષે મેરેથોનમાં શહેરીજનોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આ વખતે મેરેથોનમાં ૯૫૮ દિવ્યાંગો એક સાથે દોડ લગાવી લોકોને પ્રોત્સાહિત કરશે. આ માટે રાજકોટની તમામ દિવ્યાંગ સંસઓનો બહોળો સહકાર સાંપડી રહ્યો છે.
એક વાત એ પણ નોંધનીય છે કે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમને દિવ્યાંગો સાથે અનેરી લાગણી છે તેઓના હસ્તે જ દિવ્યાંગ દોડને ફલેગ માર્ચ આપવામાં આવશે. મેરેથોનમાં દિવ્યાંગો પણ દોડ લગાવવા માટે આતૂર હોય તેમની સ્પીરિટને ધ્યાનમાં લઈ અન્ય દોડવીરો સાથે જ તેમની દોડનું પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોનમાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ દોડવીરોને રોટરી કલબ ઓફ મીડટાઉન-રાજકોટ તરફી ટી-શર્ટ આપવામાં આવશે તો વિવિધ પોઈન્ટ ઉપર તેમના માટે રિફ્રેશમેન્ટની વ્યવસ પણ કરવામાં આવી છે.
મેરેથોનમાં દિવ્યાંગ સંસ્થાઓમાંથી જે દોડવીરો ભાગ લેવાના છે તેમાં સહયોગ વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટમાંથી ૫૪, યુનિક વિકલાંગ ટ્રસ્ટમાંથી ૧૦૦, મંત્રા ફાઉન્ડેશનમાંથી ૧૭, જીનિયસ સુપરકિડસમાંથી ૬૬, નવશક્તિ વિદ્યાલય-રાજકોટમાંથી ૬૭, બધીર મંડળ-રાજકોટમાંથી ૧૩૫, વી.વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાંથી ૫૧, પ્રયાસ પેરેન્ટસ એસો.રાજકોટમાંથી ૧૭૫, સુદ્ગુરુ દિવ્યાંગ ટ્રસ્ટ એન્ડ રામકૃષ્ણ આશ્રમ તરફી ૪૫, વિરાણી બહેરા-મુંગા શાળામાંથી ૧૯૫ અને સ્નેહ નિર્જરમાંથી ૫૩ મળી કુલ ૯૫૮ દિવ્યાંગો મેરેથોનમાં દોડ લગાવશે તેવું ‘અબતક’ની મુલાકાતે ડી.વી.મહેતા (જીનીયસ સ્કૂલ), હરેશ પરમાર (રોટરી મીડટાઉન કલબ), મીતલ કડવાની, નિધ્ધી કડવાની, પુજાબેન પટેલ (પ્રયાસ), દીના મોદી (વી.ડી.પારેખ અંધ મહિલા ગ્રુહ), ભાસ્કરભાઈ (રામકૃષ્ણ આશ્રમ), કશ્યપભાઈ, શૈલેષભાઈ પંડ્યા (સહયોગ વિકલાંગ ટ્રસ્ટ) અને શ્રીતેશ કાનાબાર (સ્નેહ નિર્જર)એ જણાવ્યું હતું.