અમરેલીના ત્રિમંદિરે લુઈબ્રેઈલના જન્મદિનની ઉજવણી
વિકલાંગોએ નાટક, લુઈબ્રેઈલનું જીવન ચરિત્ર રજુ કર્યું
તાજેતરમાં દાદા ભગવાન ત્રિમંદિર લીલીયા રોડ અમરેલી ખાતે લુઈબ્રેઈલના જન્મ દિવસની સર્વ શિક્ષા સહયોગથી દિવ્યાંગ બાળકોના જિલ્લા કક્ષાના “હમ હોગે કામયાબ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર આયુષ ઓક, સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના પ્રકાશભાઈ ભટ્ટી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિક સી.એમ.જાદવ, આનંદભાઈ ભટ્ટ, ભાવનાબેન પટેલ, જે.પી.સોજીત્રા, જીતુભાઈ ડેર તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓકે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, આ વિકલાંગના કાર્યક્રમમાં જે કોઈ દાતાઓનો સહયોગ મળ્યો છે. તેમનો આભાર વ્યકત કરી આવા બાળકોને વધારે પ્રોત્સાહન મળે તે જરૂરી છે.
જિલ્લામાં વિકલાંગ બાળકોનું આઈડેન્ટીફીકેશન કરવા માટે દાતાઓ અને વાલીઓ પોતાનું યોગદાન આપે, આ કાર્યક્રમ અમરેલી જિલ્લાને જ નહીં પરંતુ રાજયને પ્રેરણા આપે તેવી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે પ્રકાશભાઈ ભટ્ટીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, આવા વિકલાંગ બાળકોમાં જે સંવેદના જોવા મળે છે તે બીજા બાળકોમાં નહીં મળે આવા કાર્યક્રમોથી વિકલાંગ બાળકોને પ્લેટફોર્મ મળશે.
જેટલા દિવ્યાંગ બાળકોનો જન્મદિવસ હતો તેની ઉજવણી સ્ટેજ પર કેક કાપી કરવામાં આવી હતી. બેટી બચાવો નાટક તેમજ જુદી જુદી ૨૭ કૃતિઓ વિકલાંગ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. લુઈબ્રેઈલના જન્મદિવસે અંધ શાળાની એક બાળા દ્વારા તેમનું જીવન ચરિત્ર રજૂ કરવામાં આવ્યું હતું.