પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પરિવાર સાથે મશાલ રેલીમાં જોડાયા: વિવિધ કોલેજના બેન્ડની સુરાવલીએ આકર્ષણ જગાવ્યું: 15 ઓગસ્ટની પરેડ દરમિયાન પોલીસ દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવશે
15 ઓગસ્ટની સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિના રંગે રંગાયો એ મેરી મિટ્ટી મેરા દેશની ઉજવણી થઇ રહી છે ત્યારે ગઇકાલે રાત્રે આઠ થી સાડા નવ વાગ્યા દરમિયાન પોલીસ હેડ કવાર્ટર થી બાલ ભવન સુધી મશાલ રેલીનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મશાલ રેલીમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તેમના પત્ની, પુત્ર અને પુત્રી જોડાયા હતા. 15 ઓગસ્ટની પોલીસ પરેડ દરમિયાન પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટાફ દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવનાર હોવાનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે.દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં પણ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે શહેર પોલીસ દ્વારા મશાલ રેલીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકુમાર કોલેજ અને ક્રાઈસ્ટ સ્કૂલ બેન્ડ દ્વારા સુરવાલી રેલાવવામાં આવી હતી. આ રેલીમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડનાં જવાનોએ પણ ભાગ લઇ દેશભક્તિ જગાડવા અનોખો પ્રયાસ કર્યો હતો.રેલીમાં હોમગાર્ડ અને પોલીસના જવાનો જોડાયા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ તકે જણાવ્યું હતું કે, 77માં સ્વતંત્રતા પર્વને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા હર ઘર તિરંગાયાત્રા અને મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હોમગાર્ડ અને પોલીસના જવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. સાથે સાથે રાજકુમાર કોલેજ બેન્ડ, સેન્ટમેરી સ્કૂલ, નિર્મલા સ્કૂલ અને ક્રાઈસ્ટ સ્કૂલનાં સ્કૂલ બેન્ડ પણ આ રેલીમાં જોડાયા હતા. આ રેલીના માધ્યમથી નાગરિકોમાં પણ દેશભક્તિ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
રેલીના અંતમાં પંચપ્રણ લેવામાં આવ્યા હતા. તા. 15 ઓગષ્ટનાં રોજ દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિવિધ સ્કુલો તેમજ પોલીસ જવાનો દ્વારા ધ્વજવંદન પણ કરવામાં આવશે. આ તકે ડોગ-શો સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના માટે હાલ પોલીસ જવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉજવણીને યાદગાર બનાવવા શહેર પોલીસ હાલ પ્રયાસ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.