ગુજરાત કેમ્પેઈન અંગે ભાજપ પર કર્યા પ્રહારો: ‘આપ’ નથી અમીર આદમી પાર્ટી: મોરબી દુર્ઘટના અંગે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની તપાસની કરી માંગ
ગુજરાતમાં નિકળેલ કોંગ્રેસ પ્રેરિત સંકલ્પ યાત્રાને મળેલી જબરદસ્ત સફળતા બાબતે ગુજરાતની પ્રજાનો આભાર માનતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે કચ્છથી સંકલ્પ યાત્રામાં જોડાઇને આ યાત્રા ગુજરાતના ખુણે-ખુુણે પહોંચી હતી. તેમાં જબરદસ્ત જન સમર્થન મળેલ છે. આ સંકલ્પ યાત્રાને લોકો દ્વારા સ્વયંભૂ સહકાર-આશિર્વાદ મળેલાં છે.
આ સંકલ્પ યાત્રાને લોકો દ્વારા મળેલ જન સમર્થનનો શક્તિસિંહ ગોહિલે આભાર વ્યક્ત કર્યો હતો. યોજાયેલ આ પત્રકાર પરિષદમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામક્રિષ્ન ઓઝા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ભાનુબેન સોરાણી, ગાયત્રીબા વાઘેલા, અશોક ડાંગર અને એસયુઆઇના રોહિત રાજપુત, અતુલ રાજાણી વિગેરે જોડાયાં હતાં.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા વ્યક્તિનો ખ્યાલ રાખવોએ સરકારની ફરજ છે. સરકારની જવાબદારી છે. કોંગ્રેસની સરકાર હતી એ સમયે નજીવી ફિમાં ડોક્ટર-એન્જીનીયર બનવું અને હવે આ ભાજપ સરકારમાં શિક્ષણનો કાયદેસરનો વેપલો શરૂ થયો છે.
ગુજરાતની ચૂંટણી મોડી જાહેર થઇ એમાં ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા છે. જો સમયસર ચુંટણી જાહેર થઇ હોત તો મોરબીની પણ દુર્ઘટના ના બનત. કારણ કે આ પુલનું લોકાર્પણ ન થાત અને લોકોના જીવ બચી જાત.
સરદાર વલ્લભભાઇ પટેલનું કોંગ્રેસમાં માન-સન્માન હતું અને રહેશે. ભાજપે અમદાવાદના ક્રિકેટ સ્ટેડીયમનું નામ બદલી સરદાર વલ્લભભાઇ પટેલનું ભારોભાર અપમાન કર્યું છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે શક્તિસિંહ ગોહિલે સુપ્રિમ કોર્ટના સિટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માંગ કરી હતી. સરદાર પટેલને કોંગ્રેસે અન્યાય કર્યો તેવું કહેવું સરદાર સાહેબનું અપમાન છે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
‘આપ’ દ્વારા પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે ‘આપ’એ આમ આદમી નહી અમીર આદમી પાર્ટી છે. પોતાની સાથે રાજ્યસભામાં રહેલા ‘આપ’ના સાંસદો અબજોપતિ છે.
મેં બનાવ્યું ગુજરાત કેમ્પેઇન અંગે શક્તિસિંહે જણાવ્યું હતું કે જે દિવસે ભાજપ ન હતુ એ સમયે સાત સમંદર પાર ગુજરાતીઓ વેપાર કરતા હતા. મારા ગુજરાતીઓનું અપમાન કરવાનો કોઇને અધિકાર નથી. આ ચુંટણીમાં ગુજરાતીઓ જ તેમને પાઠ ભણાવશે.
આમ આદમી પાર્ટી આ ચુંટણીમાં સ્પર્ધામાં નથી. લલીત વસોયાના નિવેદન-વિડિયો બાબતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમારો વોટર અકબંધ રહે એ માટે તેમણે કહ્યું હતું. વિડિયોનું આગળ-પાછળનું ડિલીટ ડબીંગ કરીને કોંગ્રેસના વોટરોને ગુમરાહ કરવા માટે ભાજપે હિન પ્રયાસ કર્યો છે પરંતુ ગુજરાતના સમજુ મતદારો સજાગ છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણી લડવી કે નહી તે બાબતે તેમણે જણાવ્યું હતું કે મને કોંગ્રેસ રાજ્યસભાનો સદસ્ય બનાવ્યો તે જ ઘણું છે. મને પક્ષે ઘણું માન-સન્માન આપ્યું છે. હવે હું પક્ષ માટે જે સોંપાશે તે કાર્ય નિષ્ઠાથી કરીશ. જેને ટિકિટ આપશે તેને જીતાડવા હું દિલોજાનથી મહેનત કરીશ. ‘ભરોશાની ભાજપ સરકાર’ સ્લોગન પર શક્તિસિંહ ગોહિલે પ્રહારો કરતાં જણાવ્યું હતું કે લોકો સાથે ભાજપે વિશ્ર્વાસઘાત કર્યો છે.