ગુજરાતના ઊદ્યોગ સાહસિકોના જ્ઞાન-કૌશલ્ય-ટેકનોલોજીકલ સ્કીલ સાથે ઉઝબેકિસ્તાનની ઉત્પાદન કુશળતાનો સમન્વય સાધવા અનુરોધ કરતા વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના ત્રીજા દિવસે બુખારામાં આયોજિત બિઝનેસ ફોરમમાં ગુજરાતના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી વૈશ્વિક રોકાણ સંભાવનાઓ અંગેની ભૂમિકા આપી હતી.
ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, ટેક્ષ્ટાઈલ અને કપાસ ઉત્પાદનના ક્ષેત્રોમાં બુખારાના ઉદ્યોગ વેપારકારો સાથે ગુજરાતના સહયોગ અંગે તેમણે વિશદ છણાવટ કરી હતી.
આ બિઝનેસ ફોરમમાં બૂખારાના ગર્વનર શ્રીયુત ઞસફિંળ ઇફક્ષિજ્ઞુયદ અને ઉઝબેકિસ્તાનના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ પણ સહભાગી થયા હતા.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ફાર્માસ્યુટિકલ, ટેક્ષટાઇલ, ઓટોમોબાઇલ, હેલ્થકેર અને જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રમાં ગુજરાતના અગ્રણી વેપાર ઊદ્યોગ સંચાલકોનું પ્રતિનિધિમંડળ ઉઝબેકિસ્તાન આવેલું છે. બૂખારામાં આ ઊદ્યોગોના વિકાસના વિપૂલ અવસરો ગુજરાત-ઉઝબેકિસ્તાન બેય માટે પરિણામદાયી બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાત કપાસ ઉત્પાદનમાં અગ્રેસર છે અને ઉઝબેકિસ્તાન-બૂખારામાં પણ કપાસનું ઉત્પાદન વિપૂલ થાય છે તેવા સંજોગોમાં ગુજરાત-ઉઝબેકિસ્તાનના કપાસ ઉત્પાદકો સાથે મળીને વિચાર-વિમર્શ દ્વારા ટેક્ષટાઇલ સેકટરમાં વેલ્યુએડીશન કરી શકે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાત ભારતનું એક અગ્રીમ ઔદ્યોગિક વિકસીત રાજ્ય અને વિકાસનું રોલ મોડેલ છે. ગુજરાત ઊદ્યોગ સાહસિકોના જ્ઞાન કૌશલ્ય અને ટેકનોલોજીકલ સ્કીલ સાથે ઉઝબેકિસ્તાનની ઉત્પાદન કુશળતાનો સમન્વય સાધીને ભારત-ઉઝબેકિસ્તાન બેયના પરસ્પર વિકાસનો હેતુ તેમના આ પ્રવાસનો છે.
તેમણે ઉઝબેકિસ્તાન સરકારના આધુનિકતા ભર્યા અભિગમ તથા ઊદારીકરણ અને સંયુકત ઊદ્યમીતાના આયામોનો લાભ બેય પ્રદેશોના ઊદ્યોગકારોને મળશે એમ પણ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી એ ગુજરાતમાં પેટ્રોલિયમ યુનવર્સિટી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા મરીન યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટીઓ છે તેમાં જો ઉઝબેકિસ્તાન ના યુવાઓ અભ્યાસ માટે તત્પરતા દાખવે તો ગુજરાત તેમને પૂર્ણ સહયોગ આપશે તેમ પણ કહ્યું હતું.
તેમણે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, પ્રવાસન, ડિઝીટલ સ્માર્ટ સિટી તથા ડિઝીટલ ટ્રાન્સફોરમેશન જેવા આઇ.ટી.ના વિભિન્ન ક્ષેત્રોમાં બૂખારા ગુજરાત સાથે આપસી તાલમેલથી કાર્ય કરવા તત્પર છે તે માટે આનંદ વ્યકત કર્યો હતો. આ બિઝનેસ ફોરમમાં ગુજરાત ડેલિગેશનના સૌ સભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.