શામળાજીની અસાલ જીઆઇડીસીમાં ઇકો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગનોબનાવ સામે આવ્યો છે. આ ફેક્ટરી છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. અહીં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે 10 ગાડીઓ આગ બૂઝાવવા માટે બોલાવવામાં આવી છે. અહીં ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયરની ટીમો બોલાવાય, સદનશીબે કોઈ જાનહાની નહિ : અરવલ્લી જિલ્લામાં મેજર કોલ જાહેર કરાયો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અસાલની જીઆઈડીસીમાં આવેલી ઇકો વેસ્ટ નામની બંધ કંપનીમાં આગ લાગી છે. આ આગ મોડી રાતના ત્રણ કલાકે લાગી હતી. આ કંપની છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. જેથી સદનસીબે અંદર કોઇ માણસ હતા નહીં. માત્ર એક ચોકીદાર બહાર હતો. ચોકીદારે આગ જોતાની સાથે કંપનીમાં જાણ કરી હતી. આ કંપનીમાં 60થી વધારે કેમિકલ ભરેલા ટેન્કરોમાં આગ લાગતા આસપાસની ફેક્ટરીના લોકોમાં દહેશત ફેલાઇ ગઇ છે. આ આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂરથી ઘૂમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા હતા.
સરપંચ, રાહુલ ગામેતીના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાતે ત્રણ કલાકે આ આગ લાગી છે. અરવલ્લી જિલ્લામાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ આગને બૂઝાવવા માટે ગાંધીનગરથી એક ગાડી, ઇડર અને હિંમતનગરમાંથી બે ગાડી જ્યારે મહેસાણા અને દહેગામમાંથી એક એક ગાડી બોલાવવામાં આવી છે. આ આગ ઘણી જ વિકરાળ સ્વરૂપમાં છે.
આ કંપનીના મેનેજર અનિલભાઇના જણાવ્યા પ્રમાણે, અહીં કોઇ માણસ ન હતા. માત્ર એક વોચમેન હતો. તેને આગ જોતાની સાથે જ માહિતી આપી હતી. 50થી વધારે ટેન્કરો હતા અને બહાર ડ્રમ્સ પણ પડ્યા હતા.