ગુજરાતી રોમ-કોમ ફિલ્મો ફિલ્મ રસિકોને હાલ વધુ પસંદ આવી રહી છે. ત્યારે હવે વધુ એક ફિલ્મ દર્શકોને હસાવવા રીલીઝ થનાર છે. અર્બન ગુજરાતી ફિલ્મોમાં હવે બૉલીવુડ અભિનેતાઓ પણ કામ કરી રહ્યા છે અને આ ફિલ્મ સાથે એક દિગ્ગજ બૉલીવુડ અભિનેતા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શામેલ થનાર છે.
ડાયરેક્ટર ધર્મેશ મહેતાની રોમ-કોમ ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ 3 જૂનના રોજ રીલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મ અત્યારથી જ ચર્ચાનો વિષય બની છે. અને કોઈ એક વાત નહિ ફિલ્મની ઘણી એવી બાબતો છે જે પ્રથમ વાર ઘટી છે અને ચર્ચાનું કારણ બની છે. આ ફિલ્મથી ધર્મેશ મહેતા પહેલી વાર પ્રોડ્યુસર બન્યા છે તો ફિલ્મના કો-પ્રોડ્યુસર એવા સમીર દોશી, પ્રવીણ બોહરા અને નિમેશ શાહની પણ પહેલી ફિલ્મ છે એવા સમાચાર મળ્યા છે. ઉપરાંત અનેક લોકોના અલગ અલગ કારણોસર પ્રથમ ફિલ્મ બની છે.
પ્રખ્યાત અભિનેતા કે જે પોતાની આગવી રમૂજી શૈલીના કારણે પ્રખ્યાત છે તેવા જોની લીવર આ પહેલા એક ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરી ચૂક્યા છે. તેમની ફૂલ લેન્થ આ પ્રથમ ફિલ્મ છે. સૂત્રો અનુસાર ‘જયસુખ ઝડપાયો’ની મોટામાં મોટી વિશિષ્ટતા એ કે આ આખી ફિલ્મ માત્ર ૧૯ દિવસમાં શૂટ થઈ છે. માત્ર 7 શહેરોમાં જ શૂટિંગ થયું છે એવી વાત પણ જાણવા મળી છે.
અમિત આર્યન દ્વારા લખાયેલી આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો હાર્દિક સાંગાણી, પૂજા જોષી,જોની લિવર, જિમિત ત્રિવેદી, સંગીતા કનીપત અને અનંગ દેસાઈએ ફિલ્મ માં મુખ્ય કિરદાર નિભવ્યા છે. ફિલ્મનું શીર્ષક સૂચવે છે તેમ, રોમ-કોમ હોવાની સાથે તેમાં કેટલીક અદ્ભુત કોમેડી અને રોમેન્ટિક ક્ષણો છે. રોમ-કોમ શૈલી પ્રેક્ષકોને તેમની સ્ક્રીન પર આકર્ષિત કરે છે. ગુજરાતી ફિલ્મ રસિકો માટે આ યાદગાર ફિલ્મ બનનારી છે.
ફિલ્મનું મ્યુઝિક કશ્યપ સોમપુરાનું છે તો ગીતો મેઘા અંતાણીએ લખ્યાં છે. ફિલ્મમાં સુખવિન્દર સિંહે અને પલક મુચ્છલે પણ ગીતો ગાયાં છે