મન હોય તો માળવે જવાની કહેવત સાર્થક કરતો- ઉમરાણીયા ઋત્વિક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા ઉમરાણીયા ઋત્વિકે સમગ્ર ગુજરાત બોર્ડમાં 99.99 PR સાથે પ્રથમ સ્થાન મેળવી ઉચ્ચત્તમ સિદ્ધિ મેળવી છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 700 માંથી 665 માર્ક્સ મેળવી 99.99 PR સાથે સફળતા મેળવનાર માત્ર ને માત્ર એક જ વિદ્યાર્થી ગોંડલની ગંગોત્રી સ્કૂલનો,મહારાજા ભગવતસિંહજીનાં ભગવતભૂમિ ગોંડલમાં ” ન ભૂતો ન ભવિષ્યતિ ” ની યુક્તિને ઉમરાણીયા ઋત્વિકે ગંગોત્રી સ્કૂલના સંગાથે સાર્થક કરેલ છે.
અદ્દભુત, અનન્ય અને અવિસ્મરણીય ઇતિહાસ સર્જતું પરિણામ ગંગોત્રી સ્કૂલનાં ઋત્વિકે મેળવેલ છે. ઋત્વિકના કહેવા મુજબ તેમના પિતા ફેબ્રીકેશનમાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેમજ ભાડાનાં મકાનમાં રહે છે. છતાં તેણે દિવસ-રાત એક કરી મને ગોંડલ શહેરની નામાંકિત ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો. તદુપરાંત ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપસરને અમારા ઘરની પરિસ્થિતિની જાણ થતા મારા માતા-પિતાને બોલાવી ફી માં મોટી રાહત કરી આપી હતી. તેમજ મારી સ્કૂલના સંચાલકો, આચાર્ય, શિક્ષકોએ મને સતત મોટિવેશન તેમજ પ્રોત્સાહન આપી મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આથી જ હું સફળતાનાં શિખરો સર કરી શક્યો. મારા આવા સુંદર પરિણામનાં યશભાગી મારા માતા-પિતા, મારી સ્કૂલના ચેરમેન સંદિપસર, આચાર્ય અને શિક્ષકોને ગણાવું છું. મારા પિતાએ જોયેલું સ્વપ્ન સાકાર કરવામાં મારી મહેનત ઉપરાંત ગંગોત્રી સ્કૂલ પરિવારનો સિંહફાળો છે. આવું સુંદર પરિણામ મેળવવા મેં સ્કૂલ સમય ઉપરાંત 7 થી 8 કલાક મહેનત કરી હતી. હવે હું આગળ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી C.E.O બનવાની મહેચ્છા ધરાવું છું. દરેક વિદ્યાર્થીઓને મારો એક જ મેસેજ છે કે જો વિદ્યાર્થી તન-મનથી મહેનત કરે તો ગમે તેવું સ્વપ્ન સાર્થક કરી શકાય છે. જે મેં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરી સાર્થક કરી બતાવ્યું છે.