ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ‘મોટા દાણા’ની વિશ્ર્વમાં ભારે માંગ: અનેક દેશોમાં સિંગદાણાનું મેવાથી પણ વધારે મહત્વ
ખેડૂતોને સમૃધ્ધ બનાવી આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન અને ચાલુ વર્ષના સારા ચોમાસાને લઈને મગફળીના ખેડૂતો માટે લાભના સંજોગો ઉભા થયા હોય તેમ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના સિંગદાણાની નિકાસમાં આ વખતે ૧૯ ટકાનો વધારો નોંધાયો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોની ભારે વધુ ઉતારાવાળી મગફળીના સિંગદાણાની વિદેશમાં ખુબજ મોટા પ્રમાણમાં માંગ છે.
સૌરાષ્ટ્રના સિંગદાણા અનેક દેશોમાં સુકા મેવાના વિકલ્પ તરીકે વાપરવામાં આવે છે. આ વખતે કૃષિ અને પ્રોસેસ ફૂડ નિકાસ વિભાગ અપેળા દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સિંગદાણાની ભારતમાંથી થતી નિકાસ એપ્રીલથી સપ્ટેમ્બર દરમિયાન ૧.૯ લાખના વિક્રમે જથ્થે પહોંચી છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૧.૬ લાખ ટન સિંગદાણાની નિકાસ થઈ હતી. ભારત મગફળીનું સૌથી મોટુ ઉત્પાદક રાષ્ટ્ર માનવામાં આવે છે. તેમાં પણ ગુજરાતનો ૫૫ ટકા હિસ્સો છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની મગફળીની ગુણવત્તા અને સિંગદાણાનો ઉતારો સૌથી સારો આવતો હોવાથી વિદેશમાં સૌરાષ્ટ્રના સિંગદાણાની ખુબજ મોટી માંગ રહેલી છે.
આ વખતે સિંગદાણા મોટાપાયે નિકાસ થઈ રહી છે. આ વખતે ૩૩ ટકાના નિકાસના વધારા સાથે નિકાસનો આંક ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં રૂા.૧૭૭૬ કરોડ સુધી પહોંચી હતી. તે ગયા વર્ષે ૧૩૨૮ કરોડની સિંગદાણાની નિકાસ થઈ હતી. સૌરાષ્ટ્રના સિંગદાણા મોટાપાયે ઈન્ડોનેશીયા, વિયેતનામ, ફિલીપાઈન્સ, થાયલેન્ડ અને ચીનમાં થાય છે. નિકાસ બજારમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના સિંગદાણાની ખુબજ મોટા પ્રમાણમાં માંગ રહેલી છે. સૌરાષ્ટ્રના સિંગદાણામાં ઉતારાનું પ્રમાણ સારૂ હોય છે. ૧૦૦ ગ્રામમાં ૭૦ સિંગદાણાના ઉતારાને સૌથી સારા અને આદર્શ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મગફળીનો ઉતારો ૧૦૦:૯૦ અને ૧૦૦:૭૦ વચ્ચે રહે છે.
આ વખતે ચીનમાં સિંગદાણાનું ઉત્પાદન સૌથી ઓછુ ૪૦ લાખ ટને અટકી ગયું હોવાથી ચીનમાં પણ ભારતના સિંગદાણાની માંગ વધી છે. સિંગતેલના નિકાસકારોની ખરીદીનો પણ મોટો ફાળો રહેવા પામ્યો છે. અત્યારે મગફળીના દાણા અને મગફળી તેલની વ્યાપક પ્રમાણમાં નિકાસ વધી છે. ગુજરાતમાં આ વખતે ૩૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. ગુજરાતમાં આ વખતે મગફળીના ઉત્પાદનમાં ૫૭ ટકાનો વધારો થયો છે અને ૪.૭ લાખ ટન સુધી નિકાસ થવા પામી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સિંગદાણાની ગુણવત્તા અને ઉત્પાદન, નિકાસમાં જૂનાગઢના માંગરોળ અને કેશોદનો સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે ડંકો છે. અત્યારે આ વખતે એચપીએસ સિંગદાણાની નિકાસમાં જબ્બર ઉછાળો આવતા ખેડૂતોથી લઈ વેપારીઓને ભારે બખ્ખા થઈ ગયા છે.