આ મર્જરથી ગ્રાહકોનાં એકાઉન્ટ નંબરથી લઈને આઈએફએસસી કોડમાં ફેરફાર થશે, અનેક બ્રાંચો બંધ થવાની સંભાવના: જોકે, બેન્કોનાં વ્યાજદરમાં હાલ કોઈ ફેરફાર નહીં થાય

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈકાલે ૧૦ રાજય સંચાલિત બેંકોનાં મહાવિલય યોજનાની ઘોષણા કરી ત્યારબાદ દેશમાં સરકારી બેંકોની સંખ્યા વર્તમાન ૨૭થી ઘટીને ૧૨ પર આવી જશે. બેન્કોનું મર્જર આ બેંકોનાં દરેક ગ્રાહકોને અસર કરી શકે છે. જાહેર ક્ષેત્રની ૬ જેટલી બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને વિજયા બેંક, દેના બેંક સાથે બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ચુકી છે. આ રીતે એસબીઆઈ અને બેંક ઓફ બરોડાનાં મર્જર પછી ૧૦ સરકારી માલિકીની બેંકો પહેલેથી જ ટોચની બે મોટી બેંકોમાં ફેરવાઈ ગઈ છે.

નિર્મલા સીતારામને કહ્યું છે કે, આગામી ૫ વર્ષમાં દેશને ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે આગલી જનરેશનની બેંકો હોવી જરૂરી બનશે. આ મર્જરમાં ૧૦ બેન્કો મર્જ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમને સંબંધિત બેંકોમાં ખાતું છે તો સૌપ્રથમ ગ્રાહકોને ચેકબુક બદલવા માટે તૈયાર રહેવું પડશે. જોકે હાલની ચેકબુક થોડા સમય માટે માન્ય રહેશે. આખરે તેઓને બેંકની મર્જ કરવામાં આવેલી બેંકની ચેકબુક દ્વારા બદલવી પડશે. પંજાબ નેશનલ બેંકમાં રિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, સિન્ડીકેટ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક જયારે ઈન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંક મર્જ કરવામાં આવનારી છે. જેથી ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને ગ્રાહક આઈડી મળશે.

બધા એકાઉન્ટસ એક આઈડી સાથે ટેગ કરવામાં આવશે. કોઈ ગ્રાહકનું વિજયા બેંક અને અન્ય દેના બેંકમાં એકાઉન્ટ છે, તો બંને એકાઉન્ટસ માટે ગ્રાહક આઈડી ફાળવવામાં આવશે. નવા ખાતાનાં નંબર અથવા આઈએફએસસી કોડ ફાળવવામાં આવેલા ગ્રાહકોને વિવિધ તૃતીય પક્ષ કંપનીઓ સાથે આ વિગતો અપડેટ કરવાની રહેશે. આમાં આવકવેરા વિભાગ, વિમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડસ અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (એનપીએસ)નો સમાવેશ થાય છે. મર્જર પછી એન્ટિટીએ તમામ ઈલેકટ્રોનિક કિલયરિંગ સર્વિસ સુચનાઓ અને પોસ્ટ ડેટેડ ચેકને સાફ કરવા આવશ્યક છે. બેંક, ફંડ હાઉસ અને વીમા કંપનીનો સંપર્ક કરી અને નવી ઈસીએસ સુચનો ઈશ્યુ કરવા પડશે. જરૂર હોય તો ગ્રાહકે ઈસીએસ સંબંધિત ફોર્મ ઓનલાઈન અથવા શાખા દ્વારા ભરવું પડશે. ડેબિટ અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) માટે ગ્રાહકે નવું એસઆઈપી નોંધણી અને સુચના ફોર્મ ભરવાનું રહેશે. લોનની ઈએમઆઈ માટે પણ આ જ પ્રમાણે કાર્યવાહી કરવી પડશે.

બેંકની કેટલીક શાખાઓ બંધ થઈ શકે છે અને ગ્રાહકોને નવી શાખામાં જવું પડી શકે છે. આ બેંકોને હસ્તગત કરતી બેંકની નજીકમાં તેની પોતાની શાખા હોય ત્યારે ગ્રાહકની હાલની હોમ શાખા બંધ થઈ શકે છે. શાખા પર લાગુ નવા આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ ફરશે જેની ગ્રાહકોને ભંડોળ અને અન્ય નાણાકીય વ્યવહારો માટે જરૂર પડતી હોય છે. સતાવાર મર્જરની તારીખ પર હસ્તગત કરનાર બેંક દ્વારા આપવામાં આવેલ સ્થિર થાપણ દર લાગુ થશે. જોકે હાલની ફિકસ ડિપોઝીટ પર મેચ્યોરીટી સુધી પૂર્વ નિર્ધારિત વ્યાજ રહેશે. એજ રીતે લોન પરનાં વ્યાજ દર વાસ્તવિક કરાર મુજબ ચાલુ રહેશે. હોમ લોન માટે વર્તમાન વ્યાજ દર અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી નવી એન્ટીટી વ્યાજ દરમાં ફેરફાર કરશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.