તારી બેલડીને ડુબવા નહીં દઉં…
એનપીએ સહિતના જોખમોને નિવારવા દિવસ પછીના દિવસમાં બેંકોને ટી-૨૦ નહીં ટેસ્ટ મેચની જેમ રમવું પડશે
કોરોના મહામારીના કારણે આર્થિક વાવાઝોડુ સર્જાયું છે. આ વાવાઝોડામાં બેંકો દેણામાં દબાઈ જાય તેવી ભીતિ છે. દેશ માટે મહામારી વચ્ચે ફરીથી બેઠા થવાની ચેલેન્જ મોટી છે. મહામારીના કારણે બેંકોની તંદુરસ્તી બગડશે. બેડ લોન્સ, એનપીએનું પ્રમાણ ટોચના સ્થાને પહોંચશે તેવી ભીતિ વચ્ચે તંત્ર હરકતમાં આવી ગયું છે. બેંકોને કોરોનાના વાવાઝોડાથી કેવી રીતે બચાવી શકાય તે માટે દલીલો શરૂ થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ બેંકોને નડતરરૂપ સૌથી મોટા પ્રશ્ન એનપીએ સહિતના મુદ્દે પ્રકાશ પાડ્યો છે.
વર્તમાન સમય બેંકોની તંદુરસ્તી ઉપર મોટુ જોખમ બની ગયું છે. મોટાભાગની લોન એનપીએ થશે તેવી દહેશત બેંકોને છે. આવા સંજોગોમાં બેંકોની હાલત વધુ બગડે નહીં તે જોવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. આવનારા સમયમાં પબ્લિક સેકટરની બેંકો દ્વારા લોનનું પ્રમાણ પણ ઘટાડવામાં આવે તેવી શંકા વ્યકત કરવામાં આવી છે. અત્યાર સુધી ભૂતકાળની સરકારમાં એવું બનતું આવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તા ઉપર સરકાર હાવી થઈ જતી હતી. ઉપરાંત સેન્ટ્રલ બેંક દ્વારા આપવામાં આવતી સલાહોને ગણકારવામાં પણ નહોતી આવતી. અલબત હવે સ્થિતિ જુદી છે. જો કે, કોરોનાના કપરા કાળમાં બેંકોની તંદુરસ્તી સુધારવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઉંધામાથે થઈ છે. આર્થિક નિષ્ણાંત વિરલ આચાર્યએ બેંકોની સ્થિતિ કઈ રીતે સુધરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ક્રિકેટર રાહુલ દ્રવિડ જે રીતે ક્રિકેટ રમતા હતા તે રીતે બેંકોએ કાર્યવાહી કરવી જોઈએ. પ્રારંભે બેંકોએ પોતાની મુડી પ્રોટેકટ કરવાની છે અને નુકશાન વધે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે. ક્રિકેટરને ખબર હોય છે કે ઓફ સ્ટમ્પ ક્યાં છે અને મીડવિકેટ ક્યાં છે. બોલ સાથે ચેડા ન થાય તે પણ ધ્યાનમાં લેવાનું છે. ગમે તેવા કપરા વાતાવરણમાં અને ખરાબ પીચ પર પણ બેંકોને ક્રિકેટરની જેમ પર્ફોમ કરવાનું છે. બેંકોને એ વાત પણ ધ્યાનમાં લેવાની છે કે, ટી-૨૦ મેચ જીતવાના સ્થાને ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે.
લાંબાગાળાનો વિકાસદર જળવાઈ રહે તે માટે બેંકોને ધરમુળથી ફેરફાર કરવાના રહેશે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા કોરોનાના કાળમાં ઉભી થયેલી બેડ લોનની તકલીફોનો નિવાડો લાવવાની સલાહ પણ વિરલ આચાર્ય દ્વારા આપવામાં આવી હતી.