પ્રજાકલ્યાણના કામોનું ભાથું, મજબૂત નેતાગીરી થકી ભાજપાના કાર્યકરો 2022ના ચુંટણી મેદાનમાં ઝંપલાવશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લા ભાજપાની પ્રથમ કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઇ : 300 કાર્યકર્તાઓ ઉ5સ્થિત રહ્યાં

અબતક-રાજકોટ
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ જીલ્લાના સંગઠન પ્રભારી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત સંગઠનની રચના થયા બાદ પ્રથમ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદો મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્યો ગીતાબા જે.જાડેજા, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પ્રદેશ કારોબારી સભ્ય જશુમતીબેન કોરાટ, જીલ્લા વિશેષ આમંત્રિત કારોબારી સભ્ય વલ્લભભાઈ કથીરિયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી કારોબારી બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને દેશ અને રાજ્યમાં ચાલતી સાંપ્રત સમસ્યા, આ સમસ્યામાં કાર્યકર્તાઓએ પોતાના જાનની પરવા કર્યા વગર કરેલા સેવાકાર્યો તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી.

રાજકોટ જીલ્લા ભાજપની પ્રથમ કારોબારી વર્ચ્યુઅલ બેઠકમાં પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણી પાસે પ્રજાકલ્યાણના કામોનું ભાથું, મજબુત નેતાગીરી, કર્મશીલ કાર્યકરો છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત અને સામુહિક કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચી છે. કોરોના અને તાઉતે વાવાઝોડાના પડકારો સામે પણ આપણે લોકોની વચ્ચે જઈ સેવા કરી છે એટલે જ તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આપણને પ્રજાએ સુશાસનની અપેક્ષા સાથે બહુમતી આપી છે.

રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળજી અને અટલજીને યાદ કરી એક સદીથી લોકોની વચ્ચે કામ કરી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રહિતના કામ કરનારા કાર્યકરો તેમજ કેન્દ્રમાં છેલ્લા 7 વર્ષથી અને રાજ્યમાં 20 વર્ષથી સુશાસન આપનાર ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં અને દેશમાં શાંતિનું વાતાવરણ ઉભુ કર્યું છે ત્યારે અનેક પડકારો વચ્ચે પણ આપણે વિદેશી રોકાણ વધારી શક્ય છીએ. તેમજ જણાવી રાજકોટ જીલ્લામાં કોરોનાકાળ દરમ્યાન ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલો, ઓક્સીજનની સપ્લાય, દવા વગેરેની વ્યવસ્થાના કારણે આજે લોકોની સહાનુભુતિ આપણી સાથે જોડાય છે. તેવી વિગતથી કાર્યકરોને વાકેફ કર્યા હતા.

બેઠકમાં જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા દ્વારા રજુ કરાયેલા રાજકીય પ્રસ્તાવને જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડાએ અનુમોદન કર્યું હતું.
કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાએ રાજ્ય સરકાર દ્વારા દરરોજ મળતી કોર કમિટીની બેઠકમાં નાનામાં નાના ગામડાથી માંડી મોટા શહેરો સુધીના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવામાં આવતા હોવાનું જણાવી વાવાઝોડા અને કોરોનાકાળ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 24 કલાક કંટ્રોલરૂમમાં હાજરી આપી દરેક મંત્રીને જીલ્લાવાર કામગીરી સોંપી હતી અને તેના કારણે આજે કુદરતી આપત્તિઓમાંથી પ્રજાને બહાર લાવી શક્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.
આ વર્ચ્યુઅલ કારોબારી બેઠકના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ વંદેમાતરમનું ગાન કરવામાં આવ્યું હતું.
આ રાજકોટ જીલ્લા ભાજપની વર્ચ્યુઅલ કારોબારી બેઠકમાં પ્રદેશકક્ષાના હોદેદારો, જીલ્લાના હોદેદારો, જીલ્લા ભાજપના કારોબારી, આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્યો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લાના વિવિધ સેલના ક્ધવીનર, સહ-ક્ધવીનરો, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓના ચૂંટાયેલા સદસ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહીતના મંડલના દરેક કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ બેઠકમાં આભારવિધિ જીલ્લા મહામંત્રી મનીષભાઇ ચાંગેલાએ કરી હતી તથા બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમો અંગેની માહિતી પુરી પાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.