કોરોનાને કાળ વળતા હવે બજાર ફરી ટનાટન રહેવા તરફ આગળ ધપી રહ્યું છે. ત્યારે આર્થિક પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા સરકાર વધુ ભાર મૂકી રહી છે. બજારમાં તરલતા અને બજારને ધબકતું રાખવામાં મહત્વનો ફાળો ભજવતા એવા પાયા સમાન છૂટક અને જથ્થાબંધ વેપારીઓને માટે મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય જારી કર્યો છે.
આ વોલસેલર અને રીટેઈલરનો સમાવેશ પણ એમએસએમઈ એટલે કે લઘુ, નાના અને મધ્યમ વર્ગીય ઉધોગો હેઠળ કરવામાં આવ્યો છે. પણ આ નિર્ણયથી નાના અને મધ્યમ વેપારીઓને શું અસર થશે ? કઈ રીતે વેપારીઓને ફાયદો મળશે તે અંગે વાત કરીએ તો વેપારીઓને મોટો ફાયદો આર્થિક રીતે થશે. પોતાની ધંધાકીય પ્રવૃત્તિને વધુ વિસ્તૃત કરવા જરૂર પડતી નાણાંકિય મદદ હવે સરળતાથી મળશે. બેંકો દ્વારા અપાતી લોનમાં પ્રાધાન્યતા મળશે.
લઘુ, નાના અને મધ્યમ વર્ગીય ઉદ્યોગો હેઠળ રીટેલર, હોલસેલરનો સમાવેશ થતાં “આત્મનિર્ભર ભારત” યોજનાનો લાભ મળશે
નાના વેપારીઓ આર્થિક રીતે વધુ પગભર બનશે, બેકિંગ લોનમાં પ્રાધાન્યતા અપાશે
મોદી સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે છૂટક અને જથ્થાબંધ વેપાર અત્યાર સુધી એમએસએમઇના કાર્યક્ષેત્રની બહાર હતા. નવા બદલાવની સાથે હવે તેઓ એમએસએમઈની જેમ જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માર્ગદર્શિકા હેઠળ અગ્રતા ધોરણે બેંકો પાસેથી લોન મેળવી શકશે. આ અંતર્ગત, બેંકો કૃષિ, એમએસએમઇ અને કેટલાક અન્ય ઉલ્લેખિત ક્ષેત્રોને પોષણક્ષમ દરે અને અગ્રતાના ધોરણે લોન આપે છે.
એમએસએમઇના કાર્યક્ષેત્રમાં સામેલ થયા પછી, હવે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ એન્ટરપ્રાઇઝ પોર્ટલ પર પોતાને નોંધણી કરાવી શકશે. માત્ર એમએસએમઇ મંત્રાલયના એન્ટરપ્રાઇઝ પોર્ટલ પર નોંધાયેલા ઉદ્યોગપતિઓ એમએસએમઇ સંબંધિત સરકારની યોજનાનો લાભ લઈ શકે છે.
રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આરએઆઈ)ના સીઈઓ કુમાર રાજાગોપલાનના જણાવ્યા મુજબ, સરકારના આ નિર્ણયથી કોરોનાની બીજી તરંગના પડકારોનો સામનો કરી રહેલા રિટેલરોને મોટી રાહત મળશે. તેમજ રિટેલર્સ વ્યવસાયને પુનર્જીવિત કરવા માટે સરળતાથી લોન લઈ શકશે. ગયા અઠવાડિયે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગેરંટી મુક્ત લોન સંબંધિત યોજનામાં 1.5 લાખ કરોડ રૂપિયાના વધારાના ભંડોળની જાહેરાત કરી છે. આ અંતર્ગત 30 સપ્ટેમ્બર સુધી લોન લઈ શકાય છે. હવે રિટેલ અને જથ્થાબંધ વેપારીઓ પણ ગેરંટી મુક્ત લોન યોજનાનો લાભ લઈ શકશે. એમએસએમઇની સ્થિતિ સાથે રિટેલરો અને જથ્થાબંધ વેપારીઓ હવે સરકારી પોર્ટલ જીઈએમ પર ઉત્પાદનો વેચી શકશે. તેમને બિઝનેશ ટુ બિઝનેશ (BTUB) મોડમાં ઉત્પાદનો વેચવાની તક મળશે. આ ઉપરાંત નોન બેંકિંગ ક્રેડિટ 40ટકા સુધી મેળવી શકશે.