કોરોના બાદ હવે આ વાવાઝોડું બાકી રહી ગયું હતું…. “તાઉતે” વાવાઝોડાએ સરકાર સહિત સ્થાનિક તંત્રને દોડતું કરી દીધુ છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોને ખાસ કરીને એલર્ટ કરી દેવાયા છે. તો આ માટે NDRFની ટીમ ઉપરાંત એર ફોર્સ જવાનો પણ કામે લાગી ગયા છે. ત્યારે આ કામગીરીની સમીક્ષા તેમજ વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી છે. ગુજરાત રાજ્ય “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે “તાઉંતે” વાવાઝોડાનો સામનો કરવા સજ્જ છે, તેમ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ છે.
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી છે. જો વાવાઝોડું ત્રાટકે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડ હોસ્પિટલોને “વીન્ડ પ્રૂફીંગ” બનાવવા માટેની તૈયારી સંદર્ભે જરુરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે જો સ્થિતિ વણસે તો તે સંજોગોમાં કોવીડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વાવાઝોડના પગલે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરાયેલા આગોતરા આયોજન વિશેની વિગતો આપતા કહ્યું કે, કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો અવિરત પુરવઠો મળી રહે તે માટે “ક્રિટિકલ રુટ” તૈયાર કરાયો છે તેમ જ બફર સ્ટોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો સહી સલામત પરત આવી ગયા હોવાની વિગતો આપતા સીએમે જણાવ્યું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 26થી વધુ ટુકડીઓ તહેનાત કરી દેવામાં આવી છે. વનવિભાગ અને માર્ગ-મકાન વિભાગ, વીજ વિભાગને સૂચનાઓ આપી દેવાઈ છે.
ગૃહમંત્રી અમિત શાહે સંભવિત વાવાઝોડાથી અસર પામનારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હીથી યોજેલી વિડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં વિજયભાઈ રૂપાણી ભાવનગર કલેકટર કચેરીથી જોડાયા હતા.