ચક્રવાતના પરિણામે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદ પડશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે, ચક્રવાત રેમલએ ચોમાસાની મોસમ પહેલા બંગાળની ખાડીમાં પ્રથમ ચક્રવાત છે. જે રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે. ચક્રવાતને કારણે રવિવારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ચક્રવાતના પરિણામે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ તેમજ 27-28 મેના રોજ ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ દરિયામાં ગયેલા માછીમારોને 27મે સુધી દરિયાકાંઠે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
ચક્રવાતનું નામકરણ:
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતને નામ આપવાની સિસ્ટમ મુજબ, ચક્રવાતને ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સહિત ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતો માટે પ્રમાણભૂત નામકરણ પ્રણાલી અનુસરવામાં આવે છે.
IMDએ, પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMC) નો એક ભાગ હોવાથી, તે પ્રદેશના અન્ય 12 દેશોની સલાહ લીધા પછી ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામ આપે છે. ‘રેમલ’ નામ ઓમાન દ્વારા સૂચવવામાં આવ્યું હતું અને તેનો અર્થ અરબીમાં ‘રેતી’ થાય છે.
ચક્રવાતને કારણે અપેક્ષિત નુકસાન:
ચક્રવાત દ્વારા લાવવામાં આવેલા જોરદાર પવન અને ભારે વરસાદના પરિણામે, સંવેદનશીલ માળખાને મોટું નુકસાન થવાની ધારણા છે. IMD એ ચેતવણી આપી છે કે પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાવર અને કોમ્યુનિકેશન લાઇન, પાકા રસ્તા, પાક અને બગીચાઓને નુકસાન થઇ શકે છે. સંવેદનશીલ માળખામાં રહેતા લોકોને આવા સ્થળોને ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે.
મહાસાગરોની ઉષ્ણતા અને ચક્રવાતની રચના સાથે તેનો સંબંધ:
વિજ્ઞાનીઓના મતે, આવા જળાશયો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મુક્ત થતી વધારાની ગરમીને શોષી લે છે તેના પરિણામે દરિયાની સપાટીનું તાપમાન વધે છે. દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી તોફાનો વધુને વધુ તીવ્ર બની રહ્યા છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી રાખે છે.
આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઇએ જણાવ્યું હતું કે દરિયાની સપાટીના ગરમ તાપમાનનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે.
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે નીચા દબાણની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય તે માટે સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જરૂરી છે. બંગાળની ખાડીમાં દરિયાની સપાટીનું તાપમાન હાલમાં 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે.