નવા એરપોર્ટ પરથી 11 જેટલી ફ્લાઈટ ઉડાન ભરશે
આજથી નવા એરપોર્ટ પરથી 11 જેટલી ફ્લાઈટ ઉડાન ભરશે. આજે સવારે ઇન્દોરથી આવેલી પ્રથમ ફલાઇટે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જેમનું વોટર કેનાલથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પેસેન્જરનું પણ ગરબાની રમઝટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં વર્ષ 1934થી શરૂ થયેલા રાજાશાહી વખતના એરપોર્ટ બંધ થયું છે. છેલ્લા 10 વર્ષમાં અડધા કરોડથી વધુ મુસાફરોની અવર-જવરનું સાક્ષી બનેલું જૂનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવેથી એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન શહેરથી 31 કિલોમીટર દૂર આવેલા હિરાસર ગામે `રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પરથી થશે. શુક્રવારે જ જૂના એરપોર્ટ પરથી મુંબઈની છેલ્લી ફ્લાઈટે ઉડાન ભરી હતી. જ્યારે શનિવારે એક દિવસ હવાઈ સેવા બંધ રહ્યું હતું.
અત્યાર સુધી ઝડપથી એરપોર્ટ સુધી પહોંચી શકતાં શહેરીજનોએ હવે નવા એરપોર્ટ સુધી પહોંચવા માટે 31 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડશે.રાજકોટના નવા એરપોર્ટ સુધી પોહચવા માટે દર 2 કલાકે એસી ઇલેક્ટ્રિક બસ મુસાફરોને મળી રહેશે તે બસ પણ આવતીકાલથી શરૂ થઈ જશે જેનું ભાડું વ્યક્તિ દિઠ 100 રૂપિયા નક્કી કરાયું છે.
આ સાથે જ ટૂંક સમયમાં રાજકોટને અન્ય રાજ્યો સાથે જોડતી ફ્લાઈટસની જાહેરાત કરવામાં આવશે જે સંભવતઃ દિવાળી સુધીમાં શરૂ થઈ જાય તેવી શક્યતા છે.