અબતક,રાજકોટ
30 જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગાંધીજીના મૃત્યુના સાત દાયકા બાદ પણ તેમના વિચારો અને આર્દશ સમગ્ર વિશ્ર્વભરમાં અમર બની ગયા છે. મહાત્મા ગાંધીજીની દિલ્હીના રાજઘાટ અને પૂર્વ ક્ચ્છના આદિપુર ખાતે સમાધિ આવેલી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળનું જેટલુ મહત્વ છે એટલું જ મહત્વ કચ્છના ગાંધીધામનું છે. ગાંધીજીની સમાધિ પરથી ગાંધીધામ શહેરનું નામકરણ કરવામાં આવ્યું છે.
આજે દેશના અગ્રણી ઇકોનોમિક શહેરમાં ગાંધીધામની સમાવેશ થાય છ. 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતા સિંધી સમાજ મોટીaa સંખ્યામાં ભારતમાં હિજરત કરીને સ્થાયી થવા આવ્યા હતા. શરણાર્થીનો સમાવેશ કરવા માટે મહાત્મા ગાધી, જવાહરલાલ નહેરૂ, વલ્લભભાઇ પટેલ, ભાઇ પ્રતાપ અને બાયચાર્ય કૃપાલાની કચ્છની પસંદગી કરવામાં આવી હતી.
કચ્છના મહારાવ વિજયરાજજી ખેંગારજી પાસે આદિપુર પાસેની જમીન માગતા મહારાવે 15 હજાર એકર જમીન આપવા સહમત થયા હતા. શરણાર્થીઓના પુન: વસવાટ માટે ભાઇ પ્રતાપ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની રચના કરી ગાંધીધામની સ્થાપના કરી અને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સિંધુ લોજીની રચના કરી આદિપુરની સ્થાપના ભાઇ પ્રતાપે કરી હતી.
હૈદરાબાદના સિંધ પ્રાંતમાં 14 એપ્રીલ 1908માં જન્મેલા ભાઇ પ્રતાપ ગર્ભશ્રીમંત હતા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાનથી ભારત આવેલા શરણાર્થીઓના સમાવેશની કામગીરી ભાઇ પ્રતાપે સંભાળી લીધી હતી. તે દરમિયાન 30 જાન્યુઆરી 1948માં ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળી તેઓ ઘણા દુ:ખી થયા હતા. ગાંધીજીના અસ્થિ વિવિધ શહેરોની નદી અને સમુદ્રમાં પધરાવવાના હોવાથી ભાઇ પ્રતાપ ગાંધીજીના પવિત્ર અસ્થિ પોતાની સાથે લાવી આદિપુર ખાતે સમાધિ બનાવી હતી. તા.12 ફેબ્રુઆરી 1954ના રોજ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
આદિપુરમાં સમાધિ નિમાર્ણ થયા બાદ વસેલા શહેરનું નામ ગાંધીજીની સમાધિ પરથી ગાંધીધામ રાખવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ વસેલા શહેરને ગાંધીજીના નામ પરથી જ ગાંધીધામ રાખવામાં આવ્યું હતું અને જંગલ વિસ્તારને રમણીય શહેર બનાવવા માટે ભાઇ પ્રતાપે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી શેર ભંડોળ ઉભુ કર્યુ હતું. સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના શેર આજે મેળવવા મુશ્કેલ છે.
આદિપુર ખાતે સમાધિ બન્યા બાદ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ, મોરારજીભાઇ દેસાઇ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને અશોકભાઇ ભટ્ટે મુલાકાત લીધી છે. એટલું જ નહી લાલકૃષ્ણ અડવાણી જ્યારે કચ્છમાં આવે ત્યારે તેઓ ગાંધી સમાધિની મુલાકાત અચુક લીધી છે.
ગાંધી સમાધિનું 1998માં આવેલાના વિનાશક વાવાઝોડા બાદ પુન: નિમાર્ણ કરી લાલકૃષ્ણ અડવાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. 2001ના ભૂંકપ બાદ ગાંધી સમાધિનું નવીનીકરણ કરાયું છે. આજે 30 જાન્યુઆરીના ગાંધી નિવારણ દિવસ નિમિતે મોટી સંખ્યામાં આદિપુર ખાતેની સમાધિ સ્થળની મુલાકાત લઇ શ્રધ્ધાજંલી આપવામાં આવે છે.
સરદારગંજના બદલે ગાંધીધામ નામ રખાયું
ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનના સિંધ પ્રાંતથી મોટી સંખ્યામાં હિજરત કરી નિરાશ્રિતો ભારત આવ્યા હતા. તેઓના પુન: વસવાટ માટે કચ્છમાં શહેર ડેવલોપ કરવામાં આવ્યું હતું. આ શહેરનું નામ સરદાર વલ્લભભાઇ પટેલના નામ પરથી સરદારગંજ નામકરણ કરવાનો નિર્ણય કરાયો હતો. તે સમયે મહાત્મા ગાંધીજીની હત્યા થઇ હતી. સરદારગંજ ઉત્તર ભારતના શહેરના નામ જેવું હોવાથી ગાંધીધામ નામકરણ કરવામાં આવ્યું હતું. દિલ્હી રાજઘાટ અને આદિપુરમાં મહાત્મા ગાંધીજીની સમાધિ હોવાથી નિરાશ્રિતોના સમાવેશ માટે ગાંધીધામ નામકરણ કરવામાં આવેલા શહેરનુ આસ્થિત્વમાં આવ્યું છે.