હેરોઇનના કાળા કારોબારમાં સંડોવાયેલા અનવર, જાફરી, બબલુ કોણ? : એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. પડધરી નજીક છુપાવવામાં આવેલો રૂ. 215 કરોડનો હેરોઇનનો જથ્થો જે પાકિસ્તાનથી આવ્યો હતો તેને વાયા પડધરી દિલ્લી મોકલવામાં આવે તે પૂર્વે જ એટીએસએ જથ્થો ઝડપી, દિલ્લીમાં ડિલિવરી લેનાર નાઈજીરિયન શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. હવે જયારે આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે ત્યારે અનેક મોટા સવાલો પણ ઉભા થયાં છે. આ જથ્થો પાકિસ્તાનથી આવ્યો તો પછી પડધરી સુધી કેવી રીતે પહોંચ્યો? લોકલ કનેક્શન શું? અગાઉ આ રીતે ડ્રગ્સનો જથ્થો લઇ આવવામાં આવ્યો છે કે પ્રથમવાર જ વેપલો કરવા જતાં એટીએસ રેઇડ કરી કારસ્તાનનો પડદો ઊંચકી લીધો? હાલ આ દિશામાં એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આગામી રૂંક સમયમાં આ દિશામાં નવા ઘટસ્ફોટ થવાની પુરી શક્યતા છે.
ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી અટકાવવા એટીએસ સક્રિય છે ત્યારે વધુ એક વાર એટીએસએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટના પડધરી નજીક અવાવરું સ્થળેથી 215 કરોડનું 30 કિલો 600 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. દિલ્હીથી નાઝીરિયન શખ્સની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય કરાયું હતું તો પછી ખંઢેરી સ્ટેડિયમ સુધી ડ્રગ્સ કેમ પહોંચ્યું? એટીએસએ આરોપીને કેવી રીતે પકડ્યો? તે તમામ વિગતોનો ખુલાસો થયો છે.
દિલ્હીથી ઝડપાયેલ નાઝીરિયન શખ્સને રાજકોટની ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ અંગે કોર્ટમાં દલીલો કરનાર જિલ્લા મુખ્ય સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીની વિગત મુજબ ગુજરાત એટીએસએને બાતમી મળી હતી કે, રાજકોટની ભાગોળે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાછળ એક અવાવરું જગ્યામાં ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ જથ્થો પાકિસ્તાનથી અનવર નામમાં શખ્સે સપ્લાઉ કર્યો હતો. ગુજરાતના દરિયા કિનારેથી જાફરી નામના શખ્સે આ જથ્થો રિસીવ કર્યો હતો અને પડધરીના ખંઢેરી નજીક છુપાવ્યો હતો. આ જથ્થો અહીં દિલ્હીનો બબલુ નામનો શખ્સ લેવા આવશે તેવી માહિતી હતી.
બાતમીના આધારે એટીએસએ વોચ ગોઠવી હતી પણ બબલુ કે અન્ય કોઈ આ જથ્થો લેવા આવ્યું નહોતું. જેથી એટીએસએ આ 30 કિલો 600 ગ્રામનો જથ્થો જે ત્રણ બાચકામાં હતો તે કબ્જે કર્યો જતો. જથ્થા સાથે એક ચિઠ્ઠી મળી હતી. જે ચિઠ્ઠીમાં દિલ્હીનું સરનામું લખ્યું હતું અને ઓકોયો નામના નાઝીરિયન શખ્સને પહોંચાડવાનું હોવાની ચિઠ્ઠી હતી.
આ ચિઠ્ઠી મળતા એટીએસએ પ્લાન ઘડયો અને સ્વાંગ બદલી ડ્રગ્સનો નકલી જથ્થા સાથે પેલી ચિઠ્ઠી લઈ દિલ્હી જે સરનામું હતું ત્યાં પહોંચી અને ડ્રગ્સનો જથ્થો જે સ્વીકારવાનો હતો તે વ્યક્તિને જથ્થો સોંપ્યો અને તે જથ્થો સ્વીકારતા જ આ નાઇઝીરિયન શખ્સને દબોચી લીધો હતો. આરોપીનું નામ એક્વાનિફ ઓકાફોર મર્સી હોવાનું અને તે નાઇઝીરિયાના ઓસોડીનો વતની હોવાનું ખુલ્યું હતું.
ઓગસ્ટ 2022માં તે ત્રણ મહિના માટે ભારતમાં અસ્થમાની સારવાર માટે આવેલો નવેમ્બરમાં પરત જવાના બદલે તે અહીંયા જ ગેરકાયદે રહેતો હતો. બની શકે કે તે આ જથ્થો આવવાની રાહ જોતો હોય. પ્રાથમિક પૂછપરછ બાદ દિલ્હીથી તેને રાજકોટ લાવી અત્રે ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેના રિમાન્ડની માંગ કરાઈ હતી. પોલીસ – સરકાર વતી સરકારી વકીલ એસ.કે. વોરાએ દલીલો કરેલી કે, આરોપી ગેર કાયદે ભારતમાં વસવાટ કરે છે.
ડ્રગ્સ જથ્થો સ્વીકારતા ઝડપાયો છે. બીજા કેટલા લોકો આમાં સામેલ છે તે તપાસ બાકી છે. જથ્થો ક્યાથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની પાક્કી માહિતી મેળવવાની હજુ બાકી છે. 9 મહિનાથી આ શખ્સ ભારતમાં રહે છે. આ પહેલા કેટલી વાર ડ્રગ્સ મંગાવ્યું? વગેરે મુદ્દે તપાસ હજુ બાકી છે જેથી આરોપીના રિમાન્ડ જરૂરી છે. દલીલો ધ્યાને લઇ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કરતા એટીએસએ રિમાન્ડ માટે આરોપીને કસ્ટડીમાં લીધો છે. જે જાફરી નામના શખ્સનું નામ ખુલી રહ્યું છે તેની શોધખોળ હાથ ધરાઈ છે.
સીમા સુરક્ષાની સાથે હવે દરિયાઈ સુરક્ષા વધારવાની પણ તાતી જરૂરિયાત
આફ્રિકા સહિતના અનેક દેશોના સ્મગલરો ભારત અને ગુજરાતના વિશાળ દરિયાકાંઠાના વિસ્તારનો ગેરકાયદે પ્રવૃત્તિ માટે કરી રહ્યા છે. જેના લીધે હવે ભૂમિ સુરક્ષાની સાથોસાથ ભારતે દરિયાઈ સુરક્ષા વધારવાની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. મુંબઈ બ્લાસ્ટ સમયે પણ આતંકીઓ દ્વારા ગુજરાતના દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો અવાર નવાર ઝડપાયો છે ત્યારે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર તેમજ દરિયાઈ માર્ગને વધુ સુરક્ષિત કરવાની જરૂરીયાત છે.
ત્રણ માસના વિઝા મેળવી 9 માસથી ભારતમાં રહેતો નાઇજીરીયન શખ્સ ડ્રગ્સના વેપલા માટે જ આવ્યો’તો?
એટીએસ દ્વારા એક્વાનિફ નામના નાઇજીરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સને જ રૂ. 215 કરોડનો હેરોઇન આપવાનો હતો તેવી ચિઠ્ઠી જથ્થા સાથે મળી આવી હતી. પોલીસે એક સુવ્યવસ્થિત પ્લાન ઘડી નકલી હેરોઇનની ડિલિવરી આપી એક્વાનિફની ધરપકડ કરતા સામે આવ્યું હતું કે, એક્વાનિફ અલ્સરની સારવારના બહાના હેઠળ 3 માસના વિઝા મેળવી ભારત આવ્યો હતો. જે વિઝા નવેમ્બર 2022માં જ પૂર્ણ થઇ ગયાં હોવાથી છતાં તે છેલ્લા 5 માસથી ગેરકાયદે ભારતમાં રહેતો હતો. એક્વાનિફનો આવકનો કોઈ સોર્સ પણ ન હતો જે સંકેત છે કે, નાઇજીરિયન શખ્સ ફકત ડ્રગ્સના વેપલા માટે જ ભારત આવ્યો હતો.
પડધરીથી દિલ્લી સુધી હેરોઇનનો જથ્થો પહોંચાડનાર બબલુ નામનો શખ્સ લોકલ કનેક્શનની મહત્વપૂર્ણ કડી?
પ્રાપ્ત વિગત અનુસાર પાકિસ્તાનથી અનવર નામના શખ્સે હેરોઇનનો જથ્થો મોકલ્યો હતો. ગુજરાતના દરિયા કાંઠેથી જાફરી નામના શખ્સે આ માલ ઉતાર્યો હતો. ત્યાંથી હેરોઇનનો જથ્થો પડધરી સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ એટીએસ પાસે કોઈ વિગત નથી પણ પડધરીથી દિલ્લી સુધી હેરોઇન પહોંચાડવાની જવાબદારી બબલુ નામના શખ્સની હતી તેવું સામે આવ્યું છે. એટીએસએ બબલુને ઝડપી લેવા વોચ ગોઠવી હતી પણ બબલુને પોલીસ પહોંચી ગયાંની ભનક લાગી જતાં બબલુ માલ લેવા આવ્યો જ નહીં. ત્યારે મોટો સવાલ એ ઉદભવે છે કે, પડધરીના ઝાડી – ઝાંખરાવાળા અવાવરું વિસ્તારમાં જ્યાં હેરોઇન છુપાવવામાં આવ્યો હતો તે વિસ્તારથી કોઈ સ્થાનિક ક પરિચિત હોઈ શકે છે ત્યારે આ બબલુ નામનો શખ્સ સ્થાનિક હોય તેવી પ્રબળ શક્યતા છે.
હેરોઇનના કેસમાં ઉત્પાદકથી માંડી ઉપભોકતા સુધીના તમામ આરોપી જ ગણાય : એસ. કે. વોરા
હેરોઇન પ્રકરણમાં પોલીસ-સરકાર વતી દલીલ કરનાર સરકારી વકીલ એસ કે વોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોર્ટે એક્વાનિફ નામના નાઇજીરિયન શખ્સના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના કેસમાં હેરોઇનના ઉત્પાદકથી માંડી માલ ઉતારનાર મજુર, પરિવહન કરનાર અને તેનું સેવન કરનાર સહીત તમામ આરોપી બને છે. ત્યારે આગામી દિવસોમાં દિશામાં અનેક નવા ઘટસ્ફોટ થાય તેવી પ્રબળ શક્યતા છે.