રાજકોટમાં ૧૪ વર્ષથી ચાંદીના ધંધા સાથે સંકળાયેલા જીતુભાઈ ટીંબડીયાએ પિતાની જિંદગી ઉગારી
કમળાના કારણે લિવર થયું હતું ડેમેજ, રાજકોટ, વડોદરા, સુરત, હૈદરાબાદ સહિતના શહેરોમાં દવા-સારવાર બાદ અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરી સફળ સર્જરી
લિવર ડોનેટ કરવા માટે ડરવાની બિલકુલ જરૂર નથી: જીતુભાઈ ટીંબડીયા
લિવર ટ્રાન્સપ્લાન્ટ શરીર પરનું સૌથી મોટુ ઓપરેશન છે. આપણા દેશમાં અંગનું દાન કરવાનું પ્રમાણ ઓછું હોવાથી લિવર ફેલ્યોરના મોટા ભાગના દર્દીઓ અંગનું દાન મેળવવાની રાહ જોવામાં જ મૃત્યુ પામે છે અથવા કુટુંબનું જ કોઈ સભ્ય તેના લિવર (યકૃત)નું દાન કરતા લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવે છે. બ્રેઈન-ડેડ (મગજ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયું હોય તેવા) દાતા પાસેથી પ્રત્યારોપણની સરખામણીમાં જીવંત દાતાના શરીરમાંથી પ્રત્યારોપણ વધારે જટિલ પ્રક્રિયા છે. પરંતુ આવા સંજોગોમાં પણ ઘણા લોકો મજબૂત મનોબળ રાખીને પરિવારના સભ્ય માટે લિવરનું દાન કરવા આગળ આવે છે. આવા જ એક રાજકોટવાસીએ પોતાના પિતાને લિવરનું દાન કરીને પિતાને નવજીવન આપ્યું છે.
રાજકોટમાં છેલ્લા ૧૪ વર્ષથી રહીને ચાંદીના ધંધા સાથે સંકળાયેલા અને મૂળ કાલાવડ તાલુકાના રાજડા ગામના વતની જીતુભાઈ ટીંબડીયા (પટેલ)એ પોતાના પિતાને લિવર ડોનેટ કર્યું છે. જીતુભાઈના પિતા હિરાભાઈ ટીંબડીયાને છેલ્લા થોડા વર્ષોથી લિવરની બિમારી હતી. રાજકોટ, સુરત, હૈદ્રાબાદ સહિતના શહેરોમાં ઘણા દવાખાને ફરી ફરીને જીતુભાઈએ પિતા હિરાભાઈની સારવાર માટે પોતાનો સમય અને મૂડી ખર્ચી નાખી પરંતુ પિતાની તબિયત દિવસે દિવસે ખરાબ થઈ રહી હતી. લોકડાઉન દરમિયાન પિતાની તબિયત ખુબ જ ખરાબ થઈ ગઈ. છેલ્લા સ્ટેજ સુધી સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને જો થોડું મોડું કરીશું તો પપ્પાના જીવને પણ જોખમ હતું.
લોકડાઉનમાં અમારી વાડીએ ડેમનું થોડું કામ બાકી હતું તો પપ્પાએ કહયું કે હું છું ત્યાં સુધીમાં આ કામ પૂરું કરાવતો જાઉ. તો મે કહ્યું કે કેમ કરાવતો જાઉં એટલે. તો પપ્પાએ કહ્યું કે હું જીવું છું ત્યાં સુધીમાં આ વાડીનું કામ કરાવતો જાવ કેમ કે હવે મારું કાંઈ નક્કી નથી કે કેટલું જીવું. પરંતુ મને વિચાર આવ્યો કે પપ્પાને મારે હજું જીવાડવા છે.
જો પપ્પા માટે હું કાઈ નહીં કરું તો કોણ કરશે. પપ્પાને મારે હજું જીવાડવા છે. બસ આ જ વિચાર આવતા તેમણે નક્કી કર્યું કે પપ્પાને લિવર હું જ ડોનેટ કરીશ. પત્ની સાથે વાત કરી. પત્નીએ પણ જીતુભાઈની લિવર ડોનેટ કરવાની વાત સાથે સહમતી દર્શાવી અને તુરંત જ જીતુભાઈએ પપ્પાને કહ્યું કે પપ્પા તમને લિવર હું ડોનેટ કરીશ. જીતુભાઈ કહે છે કે, કોઈ દિવસ પપ્પાએ મને નથી કહ્યું કે તું મને લિવર આપ પરંતુ મે સામેથી જ લિવર આપવાની વાત કરતાં જ પપ્પાના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી. બસ તુરંત જ મે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નંબર લઈને વાત કરી. મારા સંબંધીમાં જે લોકોએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું તે દર્દીને મળીને અભિપ્રાય લીધો અને અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગત અઠવાડિયે ઓપરેશન સફળ થયું. મારું લિવર આઠ ઇંચનું હતું તેમાંથી પાંચ ઇંચનો ભાગ કાઢી લેવામાં આવ્યો. ડોક્ટરે પણ મને હિંમત આપતા જણાવ્યું કે ૨૧ દિવસના આરામ બાદ તમારું લિવર ફરીથી આઠ ઇંચનું થઈ જશે. મારા લિવરનો ભાગ મારા પપ્પામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. આગળ જીતુભાઈ જણાવે છે કે, ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મારા પપ્પાના જીવમાં જીવ આવ્યો. ડોક્ટર તેમને એક રાઉન્ડ મારવાનું કહેતા તે પાંચ રાઉન્ડ મારી લેતા. મારા કરતાં મારા પપ્પાની તબિયત વધુ સારી થઈ ગઈ. હાલ અમારા બન્નેની સ્થિતિ સારી છે એટલે લિવર ડોનેટ કરવા માટે ડરવાની બિલકુલ જરૂર નથી. આમ રાજકોટના એક પુત્રએ લિવિંગ લિવર ડોનર બનીને પિતાને નવો જન્મ આપ્યો છે.
ઓપરેશન માટે ૮૦ બોટલ લોહી સામે લોહી માંગતા મારી સ્થિતિ લોઢાના ચણા ચાવવા જેવી થઈ: જીતુભાઈ
લિવર ટ્રાન્સ પ્લાન્ટ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ૮૦ બોટલ લોહી ચઢાવવાની સામે ૮૦ બોટલ લોહી આપવાનું જણાવતા જીતુભાઈની સ્થિતિ લોઢાના ચણા ચાવવા જેવી થઈ હતી. ગત અઠવાડિયે સર્જરી કરાઈ તેથી અગાઉ લોકડાઉનના ગાળામાં તમામ બ્લડ બેંકો પાસે લોહોની અછત હતી. આ ઉપરાંત જીતુભાઈનું હોમટાઉન રાજકોટ હોય તેથી અમદાવાદમાં કોઈ જાણીતા મિત્રો કે સંબંધીઓ હતા નહી. આ સંજોગોમાં સોશિયલ વર્કર નમ્રતાબેન તેમની પડખે આવ્યા. જેઓએ લોહીની અછત નિવારવા પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી જેના માધ્યમથી ઘણા લોકો લોહી આપવા આગળ આવ્યા અને સમયસર લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું.